ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિકમાં (Olympic and Paralympic Games Tokyo) ભારતીય પેરાએથ્લિટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ભારત માટે આજનો દિવસ શાનદાર રહ્યો હતો. ભારતે આજે ત્રણ મેડલ જીત્યા હતા. તિરંદાજીમાં હરવિંદર સિંહે બ્રોન્ઝ મેડલ, હાઇ જમ્પમાં પ્રવીણ કુમારે સિલ્વર મેડલ અને પેરાશૂટર અવનિ લખેરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 13 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં બે ગોલ્ડ, 6 સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.


તિરંદાજ હરવિંદર સિંહે (India's Harvinder Singh) કોરિયાના સૂ મિન કિમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 6-5થી મેચ જીતી હતી. પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતે પ્રથમવાર તિરંદાજીમાં મેડલ જીત્યો છે.


તે સિવાય પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષીય પ્રવીણે પુરુષોની હાઈ જમ્પ T44 કેટેગરીમાં 2.07 મીટર કૂદકો માર્યો અને બીજા સ્થાને રહ્યો. તેણે એશિયન રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.  ગ્રેટ બ્રિટનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથન (2.10 મીટર) એ ગોલ્ડ મેડલ મેળવ્યો. આ ઇવેન્ટનો બ્રોન્ઝ મેડલ પોલેન્ડના લેપિયાટો માસિજો (2.04 મીટર) એ જીત્યો હતો. ટોક્યો ગેમ્સની હાઈ જમ્પમાં ભારતને 4 મેડલ મળ્યા હતા.


ઉપરાંત મહિલા શૂટર અવની લેખારાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં આ મેડલ મેળવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીનો આ બીજો મેડલ હતો. તેણે આ અગાઉ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે.


ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે 37મા નંબર પર છે.  મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 85 ગોલ્ડ, 53 સિલ્વર અને 46 બ્રોન્ઝ મેડલ સાથે 184 મેડલ જીત્યા છે. બીજા નંબર પર ગ્રેટ બ્રિટન રહ્યું હતું જેણે 37 ગોલ્ડ મેડલ, 34 સિલ્વર મેડલ અને 40 બ્રોન્ઝ મેડલ સાથે 111 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર અમેરિકા આવી ગયું છે. જેણે 34 ગોલ્ડ મેડલ, 34 સિલ્વર મેડલ અને 24 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.