ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympics) ભારત માટે આજનો દિવસ પણ ખરાબ રહ્યો હતો. આજે ભારતે એક પણ મેડલ જીત્યો નહોતો. ભારત તરફથી ટોક્યો પેરાલિમ્પિકના નવમા દિવસે પ્રમોદ ભગતે બેડમિન્ટનમાં પુરુષોની સિંગલ્સ સ્પર્ધા એસએલ-3માં ઉક્રેનના ખેલાડી એલેકઝાન્ડર ચિરકોવને સીધા સેટોમાં 2-0થી હરાવ્યો હતો. આ જીત સાથે પ્રમોદ સેમિફાઇનલમાં પહોંચી ગયા છે. આ અગાઉ રાહુલ જાખડ 25 મીટર પિસ્તલ એસએચ-1 મિક્સ્ડ સ્પર્ધામાં મેડલ જીતવાથી ચૂકી ગયા હતા. રાહુલ ફાઇનલ મેચમાં પાંચમા સ્થાન પર રહ્યા હતા. નોંધનીય છે કે  ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે.






બીજી તરફ પ્રાચી યાદવ કૈનો સ્પ્રિન્ટમાં શાનદાર શરૂઆત કરતા સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી જ્યારે બેડમિન્ટનમાં સુહાસ એલવાઇએ જર્મનીના ખેલાડીને 2-0થી હાર આપી હતી. તરુણ ઢિલ્લન પણ પોતાની મેચ જીતવામાં સફળ રહ્યા હતા. તે સિવાય બેડમિન્ટન પુરુષ સિંગલ્સ એસએચ-6 સ્પર્ધામાં ગ્રુપ બીમાં કૃષ્ણા નાગર મલેશિયાના ખેલાડી સામે મેચ જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે પલક કોહલીએ બેડમિન્ટનની મહિલા સિંગલ્સ એસયૂ-5 સ્પર્ધામાં ગ્રુપ મેચમાં તુર્કીના ખેલાડી જેહરાને હરાવીને 2-0થી જીત હાંસલ કરી હતી.


બેડમિન્ટન મહિલા ડબલ્સ સ્પર્ધામાં પલક કોહલી અને પારૂલ પરમારની જોડીને હારનો સામનો કરવો પડ્યો. તે સિવાય મહિલા સિંગલ્સ સ્પર્ધામાં પણ પારૂલને હારનો સામનો કરવો પડ્યો હતો.  હવે ભારતીય જોડી પોતાની આગામી ગ્રુપ મેચ 3 સપ્ટેમ્બરના રોજ રમશે.


 


ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે 34મા નંબર પર છે.  મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 77 ગોલ્ડ, 46 સિલ્વર અને 44 બ્રોન્ઝ મેડલ સાથે 167 મેડલ જીત્યા છે. બીજા નંબર પર ગ્રેટ બ્રિટન રહ્યું હતું જેણે 34 ગોલ્ડ મેડલ, 27 સિલ્વર મેડલ અને 35 બ્રોન્ઝ મેડલ સાથે 96 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર રશિયન ઓલિમ્પિક કમિટી રહી હતી જેણે 32 ગોલ્ડ મેડલ, 23 સિલ્વર મેડલ અને 42 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.