Vinesh Phogat Silver Medal Verdict: વિનેશ ફોગાટને સિલ્વર મેડલ માટે વધુ રાહ જોવી પડશે. તેમનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024ની ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ભારતીય રેસલર વિનેશે આ અંગે CASને અપીલ કરી હતી. તેમનો નિર્ણય મંગળવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ આવવાનો હતો. પરંતુ હવે તે 16મી ઓગસ્ટે આવશે.
વાસ્તવમાં વિનેશે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી. CASએ આ મામલે 9 ઓગસ્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વિનેશનો પક્ષ રજૂ કર્યો હતો. વધારે વજનના કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. હવે વિનેશ જોઈન્ટ સિલ્વર મેડલની માંગ કરી રહી છે.
શું હતો વિનેશના વજનને લઈને સમગ્ર મામલો -
વિનેશ પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા વર્ગમાં લડી રહી હતી. તેણે પોતાના જોરદાર પ્રદર્શનથી સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશનું વજન માત્ર 100 ગ્રામ વધુ હતું. તેણે વજન ઘટાડવા માટે આખી રાત મહેનત કરી. વાળ પણ કપાવી દીધા. પરંતુ હજુ પણ 100 ગ્રામ વધારાનું વજન બાકી હતું.
વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં પોતાની તાકાત દેખાડી -
વિનેશે સેમિફાઇનલમાં ક્યુબાની કુસ્તીબાજ ગુઝમાન લોપેઝીને હરાવી હતી. જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને પરાજય આપ્યો હતો. વિનેશે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની સુસાકીને હરાવી હતી. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશનું અત્યાર સુધીનું પ્રદર્શન આ રીતે રહ્યું છે -
વિનેશે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પેરિસ ઓલિમ્પિકમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. વિનેશે કોમનવેલ્થ ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે 2014, 2018 અને 2022માં ગોલ્ડ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ અને 2014માં બ્રોન્ઝ જીત્યો હતો. તેણે એશિયન ચેમ્પિયનશિપ 2021માં ગોલ્ડ જીત્યો છે.