World Relays: ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમ સોમવારે વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ્સમાં બીજા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઈ હતી. ભારતીય પુરુષોની 4x400 મીટર રિલે ટીમ પણ નાસાઉ, બહામાસમાં વર્લ્ડ એથ્લેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ રેસ દરમિયાન પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થઈ હતી.
રૂપલ ચૌધરી, એમ આર પૂવમ્મા, જ્યોતિકા શ્રી દાંડી અને સુભા વેંકટેશન ત્રણ મિનિટ અને 29.35 સેકન્ડનો સમય લઇને હીટ નંબર એકમાં જમૈકા (3:28.54) પછી બીજા સ્થાને રહી હતી. અગાઉ ભારતીય ટીમ રવિવારે પ્રથમ રાઉન્ડની ક્વોલિફાઈંગ હીટમાં ત્રણ મિનિટ અને 29.74 સેકન્ડના સમય સાથે પાંચમા સ્થાને રહી હતી.
પુરૂષોની ટીમ બીજા સ્થાને રહી હતી
મોહમ્મદ અનસ યાહિયા, મોહમ્મદ અજમલ, આરોકિયા રાજીવ અને અમોજ જેકબની પુરૂષ ટીમ 3:3.23 સેકન્ડ સાથે યુનાઇટેડ સ્ટેટ્સ (2:59.95) પાછળ બીજા સ્થાને રહી હતી. તે જાણીતું છે કે બીજા રાઉન્ડમાં ત્રણ હીટમાં ટોચની બે ટીમો પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરશે. પેરિસ ઓલિમ્પિક આ વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
અત્યાર સુધીમાં 19 ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સ ક્વોલિફાઇ થયા છે
પુરૂષોની ટીમ ક્વોલિફાઇંગ હીટ્સના પ્રથમ રાઉન્ડમાં રેસ પૂરી કરવામાં નિષ્ફળ રહી કારણ કે સેકન્ડ લેગ રનર રાજેશ રમેશને કૈપ્સના કારણે ખસી જવું પડ્યું હતું. આ ક્વોટા સાથે ભારત પાસે પેરિસ ઓલિમ્પિકમાં 19 ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ છે, જેમાં ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો પણ સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સ ઈવેન્ટ્સ 1 ઓગસ્ટથી શરૂ થશે.