Paris Olympics: વિનેશ ફોગાટે ઇતિહાસ રચી દીધો છે. ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ મહિલા રેસલર છે. તેણે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં ક્યુબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હાર આપી હતી. વિનેશ પહેલા રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં, તેણીએ ક્યુબાની કુસ્તીબાજ પર ડબલ લેગ એટેક કર્યો અને ચાર પોઈન્ટ મેળવ્યા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી અને ફાઇનલમાં જગ્યા બનાવી.


આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. ઈજાના કારણે રિયો ઓલિમ્પિકમાંથી ખસી ગયા બાદ અને પછી ટોક્યો ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 16માંથી બહાર થઈ ગયા બાદ વિનેશે આ વર્ષે દુનિયાને પોતાની પ્રતિભા બતાવી છે. તેની પ્રથમ મેચ એટલે કે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં, વિનેશે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોક્યો ઓલિમ્પિક્સની સુવર્ણ ચંદ્રક વિજેતા સુસાકીને 3-2થી હરાવી હતી. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં ઓક્સાનાને 7-5થી હરાવ્યું. હવે સેમિફાઇનલમાં 5-0થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિનેશને ઓછામાં ઓછા સિલ્વર મેડલની ખાતરી છે અને તે બુધવારે એટલે કે 7મી ઓગસ્ટે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરશે. વિનેશ પહેલા ઓલિમ્પિકમાં માત્ર બે પુરૂષ રેસલર ફાઇનલમાં પહોંચી શક્યા છે. 2012 લંડન ઓલિમ્પિકમાં સુશીલ કુમાર અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં રવિ દહિયા ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ બંને છેલ્લી મેચ હારી ગયા હતા.






બજરંગ પુનિયાએ કહ્યું, વિનેશ ફોગાટ એ ભારતની સિંહણ છે જેણે 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયનને આજે બેક ટુ બેક મેચોમાં હરાવી હતી. જે બાદ ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને હરાવી હતી. પણ તમને એક વાત કહું, આ છોકરીને તેના જ દેશમાં લાત મારીને કચડી નાખવામાં આવી હતી, આ છોકરીને તેના જ દેશમાં રસ્તાઓ પર ઘસડીને લઈ જવામાં આવી હતી, આ છોકરી દુનિયા જીતવા જઈ રહી હતી પણ આ દેશમાં સિસ્ટમ દ્વારા હાર થઈ હતી.


વિનેશ ફોગટની જીત પર કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું, ખૂબ સરસ વિનેશ ફોગાટ. વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયનને રોમાંચક મેચમાં હાર આપી. આ સિવાય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે, છોકરીએ અજાયબી કરી બતાવી છે. બોક્સર વિજેન્દ્ર સિંહે પણ તેને અભિનંદન આપ્યા હતા.