નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં આજની તારીખ ઐતિહાસિક છે. 9 વર્ષ પહેલા 2 એપ્રિલના રોજ ભારતીય ટીમે 2011 વર્લ્ડકપ ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ ખિતાબ જીત્યો હતો. આ પહેલા ભારતીય ટીમે 1983માં કપિલ દેવના નેતૃતવમાં વર્લ્ડ કપ જીત્યો હતો. 2003ના વર્લ્ડકપની ફાઈનલમાં  ભારત પહોંચ્યું હતું, પણ ઓસ્ટ્રેલિયા સામે હારી જતાં સપનું અધૂરું રહ્યું હતું. જેના કારણે સચિનનું વર્લ્ડકપ વિજેતા ટીમનો હિસ્સો બનવાનું સપનું રોળાઈ ગયું હતું. જે 2011માં ધોનીએ પૂરું કર્યુ હતું.

2011માં ધોનીના નેતૃત્વવાળી ભારતીય ટીમ વર્લ્ડકપની શરૂઆતથી જ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 6 વિકેટથી હાર આપીને વિશ્વ ચેમ્પિયન બન્યું હતું. ધોનીએ કુલાસેકરાની બોલિંગમાં સિક્સ મારીને ભારતને વર્લ્ડકપ જીતાડ્યો હતો.

ધોનીની સિકસરે કરોડો ભારતીયોને કરી દીધા હતા નાચતા

આજના દિવસે ભારતને મળેલી જીતને લઈ ક્રિકેટ વેબસાઇટ ક્રિકઈન્ફોએ એક ટ્વિટ કર્યુ હતું. જેમાં મહેન્દ્ર સિંહ ધોની દ્વારા ફટકારવામાં આવેલી સિક્સરની તસવીર પોસ્ટ કરીને કહ્યું કે, આ શોટે 2011માં લાખો ભારતીયોને જશ્નમાં ડુબાડી દીધા હતા. જેનો જવાબ આપતા ગંભીરે ટ્વિટ કર્યું, આ માત્ર એક યાદગીરી છે. 2011નો વિશ્વકપ સમગ્ર ભારતીય ટીમ અને તેના સપોર્ટ સ્ટાફે જીત્યો હતો.



જયવર્દનેએ ફટકારી સદી

2011ની ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. 50 ઓવરમાં શ્રીલંકે 6 વિકેટના નુકસાન પર 274 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી જયવર્દેનેએ અણનમ 103 રન બનાવ્યા હતા. સંગાકારાએ 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝહીરખાન અને યુવરાજ સિંહે 2-2 વિકેટ લીધી હતી. મુનાફ પટેલને એક સફળતા મળી હતી.

સહેવાગ ખાતુ પણ નહોતો ખોલાવી શક્યો

વર્લ્ડકપ ટ્રોફી જીતવા 275 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 48.2 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 277 રન બનાવી 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીત્યો હતો. ભારતની શરૂઆત એકદમ ખરાબ રહી હતી. ભારતે 31 રન સુધીમાં સેહવાગ અને સચિનની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ગંભીરે 97 રનની ઈનિંગ રમી વિકેટ જાળવી રાખી હતી. આ દરમિયાન તેણે કોહલી અને ધોની સાથે મોટી પાર્ટનરશિપ કરી હતી. પરંતુ 3 રન માટે સદી ફટકારવાથી ચુકી ગયો હતો. ધોની 91 રને અને યુવરાજ સિંહ 21 રને નોટઆઉટ રહ્યા હતા. શ્રીલંકા તરફથી મલિંગાને 2 તથા પરેરા અને દિલશાનને 1-1 વિકેટ મળી હતી.  ધોનીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ સચિનને સમર્પિત કર્યો હતો વર્લ્ડકપ

ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર વર્ષોથી દિલમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમનો હિસ્સો બનવાનું સપનું જોતો હતો. જે આજના તારીખ (2 એપ્રિલ, 2011)એ પૂરું થતાં ભારતીય ટીમે ખિતાબ સચિન તેંડુલકરને અર્પણ કર્યો હતો. મેચ જીત્યા બાદ ટીમના ખેલાડીઓએ ખીચોખીચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોનું અભિવાદન કર્યું હતું અને સચિનને પોતાના ખભા પર બેસાડીને ખેલાડીઓએ મેદાનનું ચક્કર માર્યુ હતું.