નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી છે અને કોરના વાયરસ સામે ભારત સરકારે લીધેલા પગલાને શ્રેષ્ઠ ગણાવ્યા છે. વિશ્વ આરોગ્ટ સંગઠનના પ્રમુખ ટી.એ.ગ્રેબેયેસસને કહ્યું, ગરીબો માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આર્થિક પેકેજની જાહેરાત કરી છે તે આ સંકટના સમયમાં ઘણી કામ આવશે. આ ઉપરાંત તેમણે અન્ય વિકાસશીલ દેશો માટે ભારતને દ્રષ્ટાંતરૂપ ગણાવ્યું હતું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારત માટે જાહેર કરવામાં આવેલા 24 અબજ ડોલરના પેકેજનું સ્વાગત કર્યું. ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ, 80 કરોડ લોકો માટે ફ્રી રાશન આપવું અને આગામી 3 મહિના માટે ગરીબોને ધ્યાનમા રાખી ભારત સરકારે જે કર્યુ છે તે ઘણું પ્રશંસનીય છે.

ભારતનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું, પીએમ મોદીએ 24 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. જેમાં લોકોને ફ્રી રાશનથી લઈ લાખો ગરીબ મહિલાઓને સીધી કેશ ટ્રાન્સફર કરવા જેવા ફેંસલા સામેલ છે. આ ઉપરાંત આગામી 3 મહિના સુધી દેશના 8 કરોડ પરિવારો માટે ફ્રી કુકિંગ ગેસની સરકારની જાહેરાત લોકોને સીધી જ મદદ પહોંચાડશે.

તેમણે કહ્યું કે, અનેક વિકાસશીલ દેશો સામાજિક કલ્યાણના કાર્યક્રમો લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા છે, તેમના માટે ભારત ઉદાહરણરૂપ છે.