નવી દિલ્હીઃ પાકિસ્તાનનો યુવા બોલર નસીમ શાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરમાં હેટ્રિક લેનાર બોલર બન્યો છે. રવિવારે બાંગ્લાદેશની સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસમાં નસીમે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ૧૬ વર્ષ ૩૫૯ દિવસની ઉંમરમાં હેટ્રિક લીધી છે.

નસીમ પાકિસ્તાન તરફથી ટેસ્ટમાં હેટ્રિક લેનારો ચોથો બોલર છે. પાકિસ્તાન તરફથી વસીમ અકરમે બે, અબ્દુલ રઝ્ઝાક અને મોહમ્મદ શમીએ એક-એક હેટ્રિક લીધી છે. કમાલની વાત એ છે કે, ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન તરફથી આ પ્રથમ હેટ્રિક છે જે શ્રીલંકા વિરુદ્ધ નથી.



નસીમે બાંગ્લાદેશની બીજી ઈનિંગની ૪૧ મી ઓવરના ચોથા બોલમાં શાંતોને એલબીડબ્લ્યુ કર્યો હતો. અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાને રિવ્યૂનો નિર્ણય લીધો હતો. ત્રીજા એમ્પાયરે જોયું કે બોલ વિકેટ સાથે ટકરાઈ રહ્યો છે અને ત્યાર બાદ નિર્ણય પાકિસ્તાની ટીમના પક્ષમાં ગયો હતો. બીજા બોલમાં નસીમે તાઈઝુલ ઈસ્લામને આઉટ કરી દીધો હતો. તાઈઝુલને નાઈટ વોચમેન તરીકે મોકલાયો હતો. પાકિસ્તાન વતી ટેસ્ટ મેચમાં હેટ્રિક લેનાર નસીમ ચોથો બોલર છે.


આ પહેલા ટેસ્ટમાં બાંગ્લાદેશના લેગ સ્પિનર આલોક કપાલીના નામે સૌથી નાની ઉંમરે હેટ્રિક ઝડપવાનો રેકોર્ડ હતો. તેણે 19 વર્ષની ઉંમરે 2003માં પેશાવરમાં પાકિસ્તાન વિરુદ્ધ આ સિદ્ધી મેળવી હતી.