1 એપ્રિલના રોજ કેન્દ્ર સરકાર પીએનબી, યૂબીઆઈ અને ઓબીસી બેંકનોા મર્જરથી બનનારી બેંક માટે નવા નામની જાહેરાત કરશે. સાથે જ બેંકનો નવો લોગો પણ જારી કરવામાં આવશે. તમને જણાવીએ કે, આ ત્રણેય બેંકોના મર્જર બાદ બનનારી નવી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાદ દેશની બીજી સૌથી મોટી બેંક હશે. મર્જર બાદ બનનારી નવી બેંકના કુલ વેપારનું કદ 18 લાખ કરોડ રૂપિયાનું હશે.
યૂનાઇડેટ બૅંક ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યુ કે, અધિકારીઓએ જણાવ્યું કે ત્રણેય બૅંકોની જોડાણની પ્રક્રિયા યોગ્ય રીતે થાય તેમજ આ અંગે તાલમેલ બેસાડવા માટે 34 સમિતિઓ બનાવવામાં આવી છે. સમીતિઓએ આ અંગે પોતાનો રિપોર્ટ પહેલા જ સોંપી દીધો છે.
તેમણે કહ્યુ કે, મુખ્ય બેંક પીએનબીએ Ernst & Youngને સલાહકાર તરીકે નીમી છે. જે તમામ પ્રક્રિયા પર નજર રાખશે. જેમાં માનવ સંસાધન, સોફ્ટવેર, સેવા વગેરે સામેલ છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે ત્રણેય બૅંકોના જોડાણ પછી સંયુક્ત રીતે કર્મચારીઓની સંખ્યા એક લાખ પર પહોંચશે.
નવી બેંક અસ્તિત્વમાં આવતા જૂની ત્રણેય બેંકના ગ્રાહકો પર પણ તેની સીધી અસર પડવાની છે. જે અનુસાર ગ્રાહકોને હવે નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે. ગ્રાહકોને નવો IFSC કોડ મળશે જેના કારણે તેમને આ નવી વિગતો આવકવેરા વિભાગ, વીમા કંપની મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ વગેરે જગ્યાએ અપડેટ કરાવવી પડશે.
ઉપરાંત એસઆઈપી અથવા લોનના ઈએમઆઈ માટે ગ્રાહકોએ નવું ઇન્સ્ટ્રક્શન ફોર્મ ભરવું પડશે. ગ્રાહકોને નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ય ઇશ્યૂ થઈ શકે છે. બીજી બાજુ એફડી અને રિકરિંગ ડિપૉઝિટ પર મળનારા વ્યાજમાં કોઈ બદલાવ નહીં થાય. ઉપરાંત લોનના વ્યાજમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. કેટલીક શાખાઓ બંધ કરવામાં આવી શકે છે જેના કારણે ગ્રાહકોએ નવી શાખામાં જવું પડી શકે છે.