નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલા બાદ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચના બહિષ્કારની વાત ચાલી રહી છે. અનેક ક્રિકેટ દિગ્ગજોએ એવી સલાહ આપી છે કે, ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ.


જોકે મેચના બહિષ્કારની ચર્ચાને લઈને 2018ના એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનું રાષ્ટ્રગીત ગાનાર પાકિસ્તાનનો ક્રિકેટ પ્રશંસક આદિલ તાજ નારાજ છે. આદિલે કહ્યું હતું કે મેચનો બોયકોટ કરવો યોગ્ય નિર્ણય નથી. તેનાથી કોઈને ફાયદો થશે નહીં. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં આદિલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે ભારતનું રાષ્ટ્રગીત ગાતો જોવા મળ્યો હતો. આ વીડિયોની ઘણી પ્રશંસા થઈ હતી.

આદિલે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે ક્રિકેટનો બોયકોટ કરવાથી કશું થશે નહીં. ક્રિકેટના કારણે જ ભારતે 2004માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. તમે તે સમયના ખેલાડીઓને પુછશો તો તે કહે છે કે તેમને કેટલો પ્રેમ મળ્યો હતો. આદિલે આગળ કહ્યું કે, શાહિદ આફ્રિદી, અખ્તર ઘણી વખત ઓન રેકોર્ડ એ વાત કહી ચૂક્યા છે કે તેમને પાકિસ્તાન કરતા વધારે ઇન્ડિયામાં પ્રેમ મળ્યો છે. શાહિદ આફ્રિદીના ઘરમાં આજે પણ સચિન તેંડુલકરની સાઇન કરેલી ઇન્ડિયન ટીમની જર્સી ફ્રેમ છે અને વિરાટ કોહલીએ આફ્રિદીના રિટાયરમેન્ટ પછી તેને પોતાની ઇન્ડિયન ટીમની જર્સી ભેટ કરી હતી, જેના ઉપર ઇન્ડિયન ટીમ પ્લેયર્સના સિગ્નેચર હતા.