નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ વર્લ્ડકપ મેચમાં શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દિગ્ગજનું માનવું છે કે, ભારત સામે હાર બાદ પાકિસ્તાનનો વર્લ્ડકપ તો અહીં જ પૂરો થઈ ગયો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર હાર બાદ ડ્રેસિંગ રૂમમાં પાકિસ્તાનની ટીમના ભાગલા પડી ગયા છે.


પાકિસ્તાનની એક ન્યુઝ ચેનલ પ્રમાણે, પાકિસ્તાની ટીમ ત્રણ ગૃપમાં વહેંચાઈ ગઈ છે. એક ગ્રૃપ મોહમ્મદ આમિર, બીજું ગૃપ ઈમાદ વસીમ અને ત્રીજું ગૃપ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝનું છે. સરફરાઝનો સાથ બહુ ઓછા ખેલાડીઓ આપી રહ્યા છે.



તો અન્ય એક ન્યુઝ ચેનલે જણાવ્યું કે, હાર બાદ ડ્રેસિંગ રૂમમાં સરફરાઝ ખેલાડીઓ પર ભડકી ઉઠ્યો હતો. તેણે ખેલાડીઓમાં ઈમામ ઉલ હક અને ઈમાદ વસીમ પણ સામેલ હતો. સુત્રો પ્રમાણે ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ શોએબ મલિક, બાબર આઝમ, ઈમામ ઉલ હક અને ઈમાદ વસીમ પર સરફરાઝે પોતાની સામે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. કેપ્ટન સરફરાઝ હવે ટીમમાં એકલો પડી ગયો છે.

ચેનલ અનુસાર, જ્યારે સરફરાઝ આઉટ થઈને ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો તો પિત્તો ગુમાવી દીધો હતો. તેણે અમુક ખેલાડીઓ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. તે ઈમાદ વસીમના ગ્રૃપના ખેલાડીઓથી નારાજ હતો. બીજા બાજુ ભારત સામે કારમી હાર બાદ ટીમને ડર છે કે વતન જતા તેમને ટીકાનો સામનો કરવો પડશે.