લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક છેલ્લા થોડા સમયથી સતત સમાચારોમાં છે. વર્લ્ડકપ 2019 દરમિયાન તેણે કહ્યું હતું કે તે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનાવવા તબદીલ કરી શકે છે. પરંતુ હવે તે અંગત જિંદગી સાથે સંકળાયેલા એક ખુલાસાને લઈ ચર્ચામાં છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે અનેક મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધ હોવાની કબૂલાત કરી છે. રઝાકે એક ટેલિવિઝન કાર્યક્રમમાં ચોંકાવનારી કબૂલાત કરતા કહ્યું કે, ઓછામાં ઓછ 5-6 લગ્નત્તેર સંબંધ રહ્યા છે. એક અફેયર તો આશરે દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું.

રઝાકનું નામ બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે પણ જોડાઈ ચુક્યું છે. બંનેની એક તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. રઝાકના લગ્ન આયેશા નામની મહિલા સાથે થયા છે અને બે બાળકો પણ છે.




રઝાકે 46 ટેસ્ટ મેચ, 265 વન ડે અને 32 T20 મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય કરિયરમાં રઝાકે 8000થી વધારે રન અને 389 વિકેટ લીધી છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં મળીને પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે 18 વર્ષ સુધી તેનું યોગદાન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર યૂઝર્સ રઝાક અને હાર્દિક પંડ્યા વચ્ચે તુલના પણ કરી રહ્યા છે. પંડ્યાએ પણ એક ટીવી શો દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તે બાદ બીસીસીઆઈ દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.