નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત રવિવારનાં મુંબઈમાં થશે. આમાં વન-ડે, ટી-20 અને ટેસ્ટ ક્રિકેટ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. એમએસ ધોનીએ ટીમ સિલેક્શનમાંથી ખુદને અલગ કરી દીધો છે.

મહત્વની વાત એ છે કે, વન-ડે ટીમમાં ઋષભ પંતની પસંદગી નક્કી માનવામાં આવી રહી છે. ટી-20માં પણ તેની દાવેદારી સૌથી ઉપર છે. જ્યારે ટેસ્ટ ફોર્મેટમાં પંત ખુદને પહેલાથી જ સાબિત કરી ચુક્યો છે. પરંતુ માનવામાં આવે છે કે વિન્ડીઝ પ્રવાસ માટે પસંદગી સમિતિ પંતની સાથે એક અન્ય વિકેટકીપર બેટ્સમેનને પણ પસંદ કરે તેવી શક્યતા છે. આવામાં આંધ્રપ્રદેશનાં કે.એસ.ભરતની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે.

કે.એસ.ભરતનું પૂરું નામ કોના શ્રીકર ભરત છે. તેણે 2012માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તે સતત બેટિંગ અને વિકેટ કીપિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. સાહાની વધી રહેલી ઉંમરનાં કારણે તે લાંબો સમય રમશે તે સંભવ નથી. આવામાં પંતની સાથે ભરતને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળે છે તો ભારતીય ટીમમાં એક સમયે બે યુવા વિકેટકીપર તૈયાર થશે.

વેટરન વિકેટકીપર રિદ્ધિમાન સાહા પણ ઈજામાંથી બહાર આવી ગયો છે અને તેને વેસ્ટ ઈન્ડીઝ-એ ટેસ્ટ સીરીઝ માટે ઈન્ડિયા-એ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. ગત વર્ષે જાન્યુઆરી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર સાહા ઈજાગ્રસ્ત થયો હતા. જેન કારણે તે લાંબા સમયથી ટીમમાંથી બહાર હતો. ત્યારે પંતને તક મળી અને તેણે બેટિંગમાં ખુદને સાબિત કર્યો છે. જોકે તેની કીપિંગમાં ઘણી ખામીઓ છે. ઈજાગ્રસ્ત થયા પહેલા 34 વર્ષનાં સાહાએ 32 ટેસ્ટમાં 1164 રન બનાવ્યા અને 75 કેચ અને 10 સ્ટમ્પિંગ કર્યાં હતા. તેની વિકેટકીપિંગની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.