નવી દિલ્હીઃ પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન શાહિદ આફ્રીદીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, જ્યારે પણ તે ભારત વિરદ્ધ રમવા ઉરતો ત્યારે તેના હાથ ધ્રુજતા હતા. આફ્રીદીએ પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં આ યાદગાર કિસ્સાનો ખુલાસો કર્યો છે. આ પુસ્તક હાલમાં જ લોન્ચ થયું છે, જેણે અનેક નવા વિવાદને જન્મ આપ્યો છે.



આત્મકથામાં ખુલાસો કરતા શાહિદ આફ્રિદીએ લખ્યું છે કે, ‘મને આ સ્પષ્ટ રીતે યાદ છે કે અમે ચેન્નઈમાં ભારત સામે રમવા ગયા હતા. હું સઈદ અનવર સાથે ઑપનિંગ કરવા ઉતર્યો હતો. ભીડ જોર-જોરથી અવાજ કરી રહી હતી. મે પહેલીવાર આટલો અવાજ સાંભળ્યો હતો. ત્યારે મને અનુભવ થયો કો ધરતી આમ તેમ હલી રહી છે. હું સમખાઈને કહી રહ્યો છું કે મને લાગી રહ્યું હતુ કે જાણે મારા હાથમાં બેટ જ નથી.’



આફ્રિદીએ વધુમાં લખ્યું કે, ‘હું વ્યવસ્થિત રીતે બૉલને જોઇ પણ નહોતો શકતો. ઈમાનદારીથી કહું તો હું ડરી ગયો હતો અને પહેલો બૉલ આવ્યો જે ઑફ સાઇડથી પાસ થયો. હું ફક્ત 9 મિનિટ ક્રીઝ પર રહ્યો અને 6 બૉલમાં 5 રન જ બનાવી શક્યો. જલ્દી આઉટ થઈ જવું એ મારા માટે ચોંકાવનારું નહોતુ. મને યાદ છે કે આ દરમિયાન મારું માથુ અને હ્રદય કાંપી રહ્યું હતુ. માથુ એ માટે કે ગર્મી હતી અને દિલ એ માટે કે દર્શકોએ ઘોંઘાટ મચાવ્યો હતો. તે દુનિયાની સૌથી મોટી પ્રતિદ્વંદ્ધિતાનો સાચો અવાજ હતો.’



ઉલ્લેખનીય છે કે પેપ્સી ઇન્ડિપેંડન્સ કપની આ એ મેચ છે જે 21 મે 1997નાં ચેન્નઈમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનનાં સઈદ અનવરે 194 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતનો 35 રન પરાજય થયો હતો.