નવી દિલ્હીઃ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ખરાબ ફિલ્ડિંગ બાદ પોતાના સાથીઓને ભારત વિરૂદ્ધ રમાનાર મેચ માટે ફિલ્ડિંગમાં સુધારો કરવાની સલાહ આપી છે. ઑસ્ટ્રેલિયા સામેની કારમી હાર બાદ પાકિસ્તાનનું સંપૂર્ણ ધ્યાન ભારત સામે યોજાનારી મેચ પર છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝે મેચ પહેલાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સામે અમારી સૌથી મોટી મેચ છે. અમે આ મેચ જીતવા માટે મેદાન પર જીવ રેડી દઈશું.




ઉલ્લેખનીય છે કે આગામી 16મી જૂને વર્લ્ડકપની સૌથી મોટી કહી શકાય એવી ભારત પાકિસ્તાનની મેચ છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે મળેલી હારનો હિસાબ સરભર કરવા આતુર રહેશે જ્યારે પાકિસ્તાન વર્લ્ડ કપ શ્રૃંખલાઓમાં ભારત સામે હારવાની પરંપરા તોડવા આતુર રહેશે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને જીત મેળવીને આઈસીસી શ્રૃંખલાઓમાં ભારત સામે લાંબા સમયથી ચાલી રહેલી પરાજયની પરંપરાને તોડી હતી.

ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં મળેલી કારમી હાર બાદ સરફરાઝે બૉલર્સ અને બેટ્સમેન પર હારનું ઠીકરૂ ફોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે એક સમયે 140-3 વિકેટ જ ગુમારી હતી જોકે, અમે 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી.