નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝે જણાવ્યું કે, તે ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. મોહમ્મદ હફીઝે કહ્યું કે, તે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેશે. પાકિસ્તાને આગામી ટી20 સિરીઝ બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાના ઘરમાં રમવાની છે જે માટે તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


મોહમ્મદ હફીઝે કહ્યું કે, પાકિસ્તાન માટે રમવું સન્માનની વાત છે. હું આગામી ટી20 વિશ્વકપમાં રમવા ઈચ્છુ છું અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા ઈચ્છુ છું. મોહમ્મદ હફીઝ પાકિસ્તાન માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મહત્વનો ખેલાડી રહ્યો છે. તેણે વર્ષ 2003માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાનું પર્દાપણ કર્યું હતું. તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા જ નિવૃતી લઈ લીધી છે. તેણે પાકિસ્તાન માટે 55 ટેસ્ટ મેચ રમી હતી.

હફીઝે પાકિસ્તાન માટે અત્યાર સુધી 218 વનડે મેચોમાં 6614 રન બનાવ્યા છે તો તેણે 139 વિકેટ પણ ઝડપી છે. વનડેમાં તેના નામે 11 સદી છે. તો ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે પાકિસ્તાન માટે 89 મેચોમાં 1908 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ટી20માં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 86 રન રહ્યો તો તેણે કુલ 54 વિકેટ પણ ઝડપી છે.