નવી દિલ્હી: ભારતીય પેરાલિમ્પિક સમિતિ (પીસીઆઈ)એ કોરોના વાયરસના કારણે 15 એપ્રિલ સુધી તમામ રાષ્ટ્રીય અને રાજ્ય ચેમ્પિયનશિપ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના સંક્રમણના ખતરાને ધ્યાનમાં લેતાં સરકારે લોકોનો મોટી સંખ્યામાં એકઠા થવાનું ટાળવાનો નિર્દેશ આપ્યો છે. જેને ધ્યાનમાં રાખીને આ પગલુ લેવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન મેસુરમાં 26થી 28 માર્ચ સુધી નેશનલ સ્વીમિંગ ચેમ્પિયનશિપનું આયોજન બેંગલુરુમાં 28 થી 30 માર્ચ સુધી થવાનું હતું. પીસીઆઈ અધ્યક્ષ દીપા મલિકે પીટીઆઈને જણાવ્યું કે, અમે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે ભંડોળ ભેગુ કરવા માટે પહેલેથી જ સંઘર્ષ કરી રહ્યાં હતા, પરંતુ સરકારના નવા નિર્દેશોના પગલે અમારી પાસે રાજ્ય સંઘોને તમામ ચેમ્પિયનશિપ પર પ્રતિબંધ મૂકવાનું કહેવા સિવાય કોઈ વિકલ્પ નથી.

તેમણે કહ્યું, કોરોનાની સ્થિતિ હવે ભયાનક બની ગઈ છે. ખેલાડીઓનું સ્વાસ્થ્ય સર્વોચ્ચ છે. અગાઉથીજ એક રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ (2019) ગુમાવી ચૂક્યા છે હવે હું માત્ર આશા રાખી શકુ છું કે આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું બાદમાં આયોજન કરી શકીએ.

ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 73 થઈ છે. તેની અસર શૂટિંગ વર્લ્ડકપ અને ઈન્ડિયા ઓપન ગોલ્ફ જેવા રમતગમત પ્રતિયોગિતાઓ પર પડી છે. આ મહીનામાં યોજાનારી સ્પર્ધાઓ સ્થગિત કરવામાં આવી છે.