નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એહસાન મનીએ દાવો કર્યો કે પીસીબીએ આઈસીસીના વિવાદ સમાધાન સમિતિમાં કેસ હાર્યા બાદ બીબીસીઆઈને વળતર પેટે 16 લાખ ડોલર (અંદાજે 11 કરોડ રૂપિયા)ની રકમ આપી છે. મનીએ કહ્યું કે, અમે વળતલના મામલે લગભગ 22 લાખ ડોલર (અંદાજે 15 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા, જે અમે ગુમાવ્યા છે.




તેમણે કહ્યું કે, આ કેસમાં ભારતને ચૂકવવામાં આવેલી રકમ ઉપરાંત અન્ય ખર્ચ, કાયદાકીય ફી અને પ્રવાસથી સંબંધિત હતા. PCBએ ગત વર્ષે BCCI વિરુદ્ધ ICCની વિવાદ સમાધાન સમિતિ સામે આશરે 7 કરોડ અમેરિકન ડૉલર (આશરે 480 કરોડ રૂપિયા)ના વળતરનો દાવો કરતા કેસ નોંધાવ્યો હતો.



PCBએ બીસીસીઆઈ પર બંને બોર્ડ વચ્ચે થયેલા કરારનું સન્માન ન કરવાનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો હતો. આ કરાર અનુસાર 2015થી 2023 સુધી ભારતને પાકિસ્તાન વિરુદ્ધ 6 દ્વિપક્ષીય સીરિઝમાં રમવાનું હતું, જેને ભારતીય ક્રિકેટ બોર્ડે ન માન્યો. BCCIની દલીલ હતી કે, તે પાકિસ્તાન સાથે એ કારણે નથી રમી રહ્યું, કેમ કે સરકારે આની મંજૂરી આપી નથી. ભારતે પાકિસ્તાનના એ દાવાને પણ ફગાવી દીધો હતો જેમાં તેમણે કરાર કાયદાકીય રીતે બાધ્ય હોવાનું જણાવ્યું હતું. BCCIએ કહ્યું કે, તે માત્ર પ્રસ્તાવ હતો.