નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી અચાનક હટી જવા મામલે સુરેશ રૈનાએ મૌન તોડ્યું છે અને કહ્યું કે, તે પોતાના પરિવાર માટે પરત ફર્યો હતો અને 19 સપ્ટેમ્બરથી શરુ થનારી ટૂર્નામેન્ટ માટે દુબઈમાં ફરી ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાઈ શકે છે.

15 ઓગસ્ટે એમએસ ધોની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનાર રૈનાએ તે તમામ આરોપને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો તેમનો અને ફ્રેન્ચાઈજી વચ્ચે વિવાદ થયો છે. ફ્રેન્ચાઈજી દળમાં 13 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જેમાં બે ખેલાડી પણ સામેલ છે અને રૈનાનું આઈપીએલમાંથી હટવાનું કારણે તેને બતાવવામાં આવી રહ્યું હતું.

રૈનાએ ‘ક્રિકબઝ’ને જણાવ્યું કે, આ મારો અંગત નિર્ણય હતો અને મને મારા પરિવાર માટે આવવું પડ્યું. ઘરમાં એવી વસ્તુ બની કે જેનું તત્કાલ ઉકેલ કાઢવાની જરૂર હતી. ચેન્નઈ સુપરકિંગ્સ પણ મારો પરિવાર છે અને માહી ભાઈ મારા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. આ મુશ્કિલ નિર્ણય હતો

તેમણે કહ્યું કે, સીએસકે અને મારા વચ્ચે કોઈ સમસ્યા નથી. 12.5 કરોડ રૂપિયાને કોઈ પીઠ ન બતાવે અને કોઈ જરૂરી કારણ વગર નહીં જાય. હું યુવાન છું હજુ આગામી ચાર પાચ વર્ષ તેમના માટે રમવા માંગું છું.

જ્યારે તેમને સીએસકે સાથે તેના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સંકેત આપ્યો કે, તે દુબઈમાં ટીમ સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે, હું ટ્રેનિંગ કરી રહ્યો છું. બની શકે હું તમને ત્યાં શિબિરમાં જોવા મળું. જ્યારે સીએસકેના મુખ્ય કાર્યકારી અધિકારી કાસી વિશ્વનાથનને રૈનાનું ફ્રેન્ચાઈજી સાથે ભવિષ્ય અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે, ટીમ પોતાના તમામ ખેલાડીઓને પૂરું સમર્થન આપે છે.