સોશિયલ મીડિયાની તાકાત ખુબ જ વધારે છે, તે કોઈને પણ સ્ટાર બનાવી શકે છે. સોશિયલ મીડિયાના પાવરથી ઘણા લોકોની કિસ્મત બદલાઈ ગઈ છે. હાલમાં જ આ વાતનો પુરાવો આપતો બનાવ સામે આવ્યો છે. જેમાં નોઈડામાં કામ કરતો પ્રદીપ મહેરાનો એક વીડિયો વાયરલ થયો છે. ફિલ્મમેકર વિનોદ કાપડીએ પ્રદીપ મહેરાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં પ્રદીપ પોતાનું કામ પુરુ કરીને ઘરે જતી વખતે દોડી રહ્યો છે.
આ જ વીડિયોએ પ્રદીપ મહેરાને સ્ટાર બનાવી દીધો છે. વીડિયો જોઈને દરેક વ્યક્તિ પ્રદીપના જુસ્સાને સલામ કરી રહ્યા છે. હવે પ્રદીપના ચાહકોમાં ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન અને ભારતના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ ઉમેરાઈ ગયા છે.
સોમવારે કેવિન પીટરસને પ્રદીપ મહેરાનો વીડિયો રિટ્વીટ કર્યો હતો અને પ્રદીપની પ્રસંશા કરતાં લખ્યું હતું કે, આ વીડિયો તમારી સોમવારની સવારને સુંદર બનાવી દેશે. શું છોકરો છે... કેવિન પીટરસન સિવાય હરભજન સિંહે પણ પ્રદીપ મહેરાનો વીડિયો જોયા બાદ તેના ભરપેટ વખાણ કર્યા હતા.
હરભજનસિંહે લખ્યું કે, ચેમ્પિયન આ રીતે જ બને છે. ભલે તે સ્પોર્ટ્સ ફિલ્ડ હોય કે પછી જીંદગી હોય. તે એક વિનર જ સાબિત થશે.
ફિલ્મ નિર્માતા વિનોદ કાપડીએ પોતાના ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પ્રદીપ મહેરા નામનો એક 19 વર્ષનો યુવક દોડી રહ્યો હતો. વિનોદ કાપડીએ આ વીડિયોમાં યુવકને પ્રશ્નો પુછતાં યુવકે જણાવ્યું હતું કે, તે મેકનોલ્ડ કંપનીમાં નોકરી કરે છે અને તેને આર્મીમાં જોડાવવું છે. જો કે પ્રદીપને દોડવાની પ્રેક્ટીસ માટે સમય નથી મળતો એટલે તે મોડી રાત્રે 10 કિલોમીટર દોડીને ઘરે જઈ રહ્યો છે. આ વીડિયો હાલ ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પ્રદીપના જુસ્સાને સલામ કરી રહ્યા છે.