30 મેથી શરૂ થઈ રહેલી આઈસીસી વર્લ્ડ કપ-2019 11 જગ્યાઓ પર રમાશે. જોકે આ વખતે મહત્વની વાત છે કે, વર્લ્ડ કપ-2019ની વિજેતા ટીમને 40 લાખ ડોલર એટલે કે લગભગ 28 કરોડ રૂપિયા મળશે જે ટૂર્નામેન્ટનાં ઈતિહાસમાં સૌથી મોટી ઈનામી રકમ હશે. 10 ટીમોની વિજેતા ટીમને એક ટ્રોફી પણ આપવામાં આવશે.

આઈસીસીનાં નિવેદન અનુસાર ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમ 1 કરોડ ડોલર એટલે કે લગભગ 70.12 કરોડ રૂપિયા હશે. ઉપવિજેતા ટીમને લગભગ 14 કરોડ રૂપિયા આપવામાં આવશે જ્યારે સેમી ફાઈનલ હારનારી ટીમને 8 લાખ ડોલર એટલે કે લગભગ 5.60 કરોડ રૂપિયા મળશે.

દરેક લીગ મેચ માટે પણ ઈનામી રકમ હશે. જે અંતર્ગત વિજેતા ટીમને 28 કરોડ રૂપિયા, ઉપવિજેતા ટીમને 14 કરોડ રૂપિયા, સેમીફાઇનલ હારનારી ટીમને 5.60 કરોડ રૂપિયા, દરેક લીગ મેચની વિજેતા ટીમને 28 લાખ રૂપિયા અને લીગ મેચોથી આગળ જનારી ટીમને 70 લાખ રૂપિયા આપવામાં આવશે.

ટૂર્નામેન્ટની ફાઈનલ 14 જુલાઈનાં રોજ ક્રિકેટનાં મક્કા કહેવાતા લોર્ડ્સમાં થશે. સેમીફાઈનલ મુકાબલો માન્ચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડ અને બર્મિંઘમનાં એજબેસ્ટન મેદાન પર 9 અને 11 જુલાઈનાં રમાશે. પહેલી મેચ યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.