નવી દિલ્હીઃ પુલવામામાં આતંકી હુમલાને લઈ દેશભરમાં રોષ છે. ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પણ પરત લઈ લીધો છે અને પાકિસ્તાનથી આયાત થતી તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકા વધારો કરી દીધો છે. બોલીવુડમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા પર મનાઇ ફરમાવી દેવામાં આવી છે અને હવે આ વાત ક્રિકેટ સુધી પહોંચી ગઈ છે.


શું કહ્યું રાજીવ શુક્લાએ ?

સીમા પર તણાવના કારણે ભારતે વર્ષોથી પાકિસ્તાન સાથે દ્વીપક્ષીય ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું છે. આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે, આગળ પણ ભારત ક્રિકેટના મેદાન પર પોતાનો વિરોધ વ્યક્ત કરશે. બીસીસીઆઈની પોલિસી એકદમ સ્પષ્ટ છે. જ્યા સુધી સરકાર લીલી ઝંડી નથી આપતી ત્યાં સુધી પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા પર કોઈ ફેંસલો નહીં લેવામાં આવે. તેમની સાથે વિશ્વકપમાં રમીશું કે નહીં તેની સ્થિતિ પણ હજુ સ્પષ્ટ થઈ નથી.

વાંચોઃ પુલવામા હુમલોઃ ટીમ ઈન્ડિયાના ક્યા ખેલાડીએ શહીદોના પરિવારને કરી મદદ ?  જાણો વિગત

આતંકવાદની અસર રમત પર પડે છે

શુક્લાએ એમ પણ કહ્યું કે, જો કોઈ એક દેશ આતંકવાદને પ્રોત્સાહન આપે છે તો તેની અસર રમત પર પણ પડે છે. વિશ્વકપમાં ભારત-પાકિસ્તાનના મુકાબલો અંગે શું કહેવું છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આ અંગે અમે કંઈ ન કહી શકીએ. વિશ્વકપ હજુ દુર છે. શું થાય તે જોઈએ છીએ.

વાંચોઃ ક્રિસ ગેલે કરી વન ડેમાંથી નિવૃત્તિની જાહેરાત, જાણો ક્યાં રમશે છેલ્લી મેચ

વર્લ્ડકપમાં ક્યારે છે ભારત-પાકિસ્તાનની ટક્કર

30 મેથી શરૂ થતાં વિશ્વકપમાં 16 જીને ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો રમાશે. બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય શ્રેણી રમાયાના આશરે 6 વર્ષ વીતી ગયા છે. બંને દેશો વચ્ચે 2012-13માં વન ડે અને ટી20 શ્રેણી રમાઇ હતી.