2007ના T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના હીરોએ નિવૃત્તિની કરી જાહેરાત, જાણો વિગત
નવી દિલ્હીઃ વર્ષ 2007નાં T20 ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ફાસ્ટ બોલર આર પી સિંહે મંગળવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 32 વર્ષના ડાબોડી મીડિયમ ફાસ્ટ બોલર સિંહે ટ્વિટર પર આની જાહેરાત કરી હતી.
આરપીએ 2007માં ભારતને T20 વિશ્વકર જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ટુર્નામેન્ટમાં તેણે 12 વિકેટ લીધી હતી અને ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 82 મેચ રમેલા સિંહે 100થી વધુ વિકેટ લીધી હતી.
પાર્થિવ પટેલ, ઈરફાન પઠાણ, ઝહીર ખાન સાથે આરપી સિંહ.
આરપીએ તેના શાનદાર કરિયર બદલ પરિવાર, બીસીસીઆઈ અને રાજ્ય ક્રિકેટ સંઘોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આર પી સિંહે 14 ટેસ્ટમાં 40, 58 વનડેમાં 69 અને 10 ટી20 મેચમાં 15 વિકેટ લીધી હતી. આરપી સિંહ એક સમયે ટીમ ઈન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર હતો. ધોનીની કેપ્ટનશિપમાં તે ખૂબ સફળ રહ્યો. ધોની પણ તેના પર ભરોસો મુકતો હતો. પરંતુ 2011 બાદ તેને ક્યારેય ટીમ ઈન્ડિયામા વાપસીનો મોકો મળ્યો નહોતો.
આરપી સિંહે નિવૃત્તિની જાહેરાત કરતી વખતે ભાવુક પોસ્ટ લખીને કહ્યું, 13 વર્ષ પહેલાં આજના દિવસે 4 સપ્ટેમ્બર, 2005માં મેં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી હતી. મારો આત્મા અને દિલ આજે પણ યુવા છોકરાની સાથે છે જેણે પાકિસ્તાનના ફૈસલાબાદમાં કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ હવે શરીર એવો અનુભવ કરાવી રહ્યું છે કે મારી ઉંમર થઈ ચુકી છે અને યુવા ખેલાડીઓ માટે જગ્યા ખાલી કરવાનો સમય આવી ગયો છે.