ટીમ ઈન્ડિયાનો લેગ સ્પિનર રાહુલ ચાહર 9 માર્ચના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. રાહુલ ગોવામાં પોતાની મંગેતર ઈશાની સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરશે. રાહુલની મંગેતર ઈશાની ફેશન ડિઝાઈનર છે. આ બંને કપલે વર્ષ 2019માં સગાઈ કરી હતી. હવે બંને કપલ 9 માર્ચના રોજ ગોવામાં લગ્ન કરી રહ્યા છે. ગોવામાં લગ્ન કર્યા બાદ આગરામાં રિસેપ્શન પણ રાખવામાં આવ્યું છે. રાહુલ અને ઈશાની ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 


રાહુલના ભાઈ દીપક ચાહર અને તેની બહેન માલતી ચાહર પણ આ લગ્ન સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે એટલે કે 9 માર્ચે યોજાનારા આ લગ્નમાં રાહુલનો પરિવાર ગોવા પહોંચી ચુક્યો છે. જ્યારે દીપક ચાહર લગ્નના દિવસે આવતીકાલે ગોવા પહોંચશે. તેમની બહેન માલતી ચાહર પણ આ લગ્નમાં હાજરી આપશે.



રાહુલ ચાહર અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયંસ માટે રમતો હતો. પરંતુ આ વર્ષની આઈપીલ સીઝનમાં રાહુલ પંજાબ કિંગ્સની ટીમમાં રમતો દેખાશે. રાહુલ ચાહરે ભારત માટે વનડે અને ટી-20 મેચ પણ રમી છે. આ વર્ષે યોજાયેલા આઈપીએલ મેગા ઓક્શનમાં રાહુલ ચાહરને 5.25 કરોડની મોટી રકમ મળી છે. આઈપીએલમાં આ વર્ષે પ્રથમ વખત બનશે કે રાહુલ મુંબઈ સિવાય બીજી ટીમ માટે રમશે. 2018 થી લઈને 2021 સુધી રાહુલ ચાહર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો.
રાહુલ ચાહર ભારત માટે એક વનડે અને 5 ટી-20 મેચ રમ્યો છે. એક વન ડે મેચમાં રાહુલે 3 વિકેટ લીધી હતી. જ્યારે 5 ટી-20 મેચમાં રાહુલે 7 વિકેટ ઝડપી હતી. આ મેચોમાં તેની ઈકોનોમી 7.59ની રહી હતી. 


રાહુલ ચાહરના ભાઈ દીપક ચાહરે પણ સગાઈ કરી લીધી છે. દીપકે પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને આઈપીએલ મેચ સમયે સ્ટેડિયમમાં જ પ્રપોઝ કર્યું હતું. દીપક પણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.