IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા અને ઈંગ્લેન્ડ ઝડપી બોલર જોફ્રા આર્ચર પર એક ટેસ્ટ દરમિયાન જાતિય ટિપ્પણી કરનાર શખ્સ પર ન્યુઝિલેન્ડમાં ઘરેલુ અને ઈન્ટરનેશનલ મેચો પર બે વર્ષનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે નવેમ્બરમાં રમાયેલી એક ટેસ્ટ મેચના અંતિમ દિવસે એક વ્યક્તિએ આર્ચર પર જાતિય ટિપ્પણી કરી હતી. પોલીસે ઓકલેન્ડના રહેવાસી વ્યક્તિની ધરપકડ કરી જેને આ ટિપ્પણી કરી હતી.


ન્યુઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ વ્યક્તિ પ્રતિબંધના કારણે હવે 2022 સુધી ન્યુઝીલેન્ડમાં કોઈ ઘરેલું અને ઈન્ટરનેશનલ મેચ જોઈ શકશે નહીં. જો તે આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે તો તેની સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સાથે તેમને જોફ્રા અને ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટથી આ ઘટના અંગે માફી પણ માંગી હતી.

24 વર્ષનો ઈંગ્લિશ બોલર જોફ્રા આર્ચર અને સેમ કુરેન ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન રન લઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આર્ચરે મેચ પૂર્ણ થયા બાદ સોશિલય મીડિયા ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરી લખ્યું હતું કે, પોતાની ટીમ માટે રમતા સમયે જાતીય ટિપ્પણી સાંભળી આજે મને થોડી તકલીફ થઈ.