નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની પસંદગી માટે સીઓએ દ્વારા નિમણૂક કરવામાં આવેલ ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ સ્પષ્ટ કર્યું છે કે તે આ પદ માટે કોઈ વિદેશી કોચની પસંદગી કરવાના પક્ષમાં નથી. એવામાં રવિ શાસ્ત્રીની ફરી નિમણૂક નક્કી માનવામાં આવી રહી છે. સીઓએ કોચ માટે નિમણૂક કરેલ ત્રણ સભ્યોની સલાહકાર સમિતામાં પૂર્વ કેપ્ટન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી સામેલ છે.


જો સીએસી કોઈ વિદેશીને ટીમ ઇન્ડિયાના કોચ બનાવવાના હકમાં નથી તો પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કોચ ટોમ મૂડીને કોચ બનાવવાની સંભાવના પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ટોમ મૂડી હાલ કેરેબિયન પ્રીમિયર લીગના ડાયરેક્ટર છે. અંતિમ વખત મૂડી 2007માં નેશનલ ટીમના કોચ રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે સીઓએએ કોચની પસંદગી માટે ત્રણ સભ્યોની સીએસીની નિમણુક કરી છે. જેમાં કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી સામેલ છે. આ સમિતિનું માનવું છે કે જો ગેરી કર્સ્ટન જેવા વ્યક્તિએ ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે આવેદન આપ્યું હોત તો વિચાર કરવામાં આવી શક્યો હોત. જોકે ભારતીય ટીમ શાસ્ત્રીના દેખરેખમાં સારું પ્રદર્શન કરી રહી છે. જેમાં ફેરફાર કરવો યોગ્ય ગણાશે નહીં.