આપને જણાવી દઈએ કે મેદાન પર અમ્પાયરે રવિન્દ્ર જાડેજાને મોડેથી રન આઉટ આપ્યો હતો. જે જોઈ કોહલી ખુશ નહોતો દેખાયો. ચેન્નાઇના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતીય ઇનિંગની 48મી ઓવરમાં જાડેજાએ ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફીલ્ડરે નોન-સ્ટ્રાઈકર ઝોન પર વિકેટ પર સીધો થ્રો ફટકાર્યો. જોકે, અમ્પાયર શોન જ્યોર્જે શરૂઆતમાં તેને આઉટ ના આપ્યો. પરંતુ રિવ્યૂમાં દેખાયું કે જાડેજા તેની ક્રીઝ પર પહોંચ્યો નહોતો.
મેદાન પર હાજર અમ્પાયર્સે ઘણા સમય બાદ નિર્ણય માટે થર્ડ અમ્પાયરને પૂછ્યું હતું. જોકે, ત્યાં સુધી સ્ક્રીન પર સમગ્ર ઘટનાક્રમ જોવા મળ્યો હતો. રોસ્ટન ચેઝે મિડવિકેટ પરથી થ્રો કર્યો હતો જે સીધો સ્ટંમ્પ પર વાગ્યો હતો. તેણે અમ્પાયરને અપીલ પણ કરી હતી પરંતુ અમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો.
વેસ્ટ ઈન્ડિઝના સુકાની કેઈરોન પોલાર્ડે અમ્પાયર જ્યોર્જ સાથે વાત કરી હતી જેમણે બાદમાં થર્ડ અમ્પાયરની મદદ લીધી હતી. થર્ડ અમ્પાયરે જાડેજાને રન આઉટ આપ્યો હતો. જેના કારણે કોહલી ડ્રેસિંગરૂમની બહાર આવી ગયો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.