નવી દિલ્હીઃ રિઝર્વ ડેમાં ફરી એકવાર ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આજે માન્ચેસ્ટરના મેદાનમાં ઉતરશે. ગઇકાલે કિવી ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, ટીમે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. હવે આગળની અધુરી મેચ આજે રમાશે. પણ ખાસ વાત એ છે કે ભારત વર્લ્ડકપમાં બીજીવાર રિઝર્વ ડેના દિવસે રમવા ઉતરશે, 20 વર્ષ પહેલા 1999ના વર્લ્ડકપમાંમાં પણ આવી સ્થિતિ બની ચૂકી છે.




1999માં રિઝર્વ ડેમાં ભારતીય ટીમને મળી હતી જીત...
આજથી 20 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં રમાયેલા 1999ના વર્લ્ડકપમાં, બર્મિંઘમના એઝબેસ્ટૉન મેદાન પર ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમે આમને સામને હતી. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી. ભારતે પહેલા બેટિંગ કરતાં 50 ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 232 રન બનાવ્યા હતા. મેચમાં રાહુલ દ્રવિડે 53 અને સૌરવ ગાંગુલીએ 40 રન બનાવ્યા હતા.

232 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમે 20.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 73 રન બનાવ્યા હતા. ત્યારે વાવાઝોડુ આવતા મેચ રોકવી પડી હતી, આ સમયે 180 બૉલમાં 160 રનની જરૂર હતી, અને રિઝર્વ ડેના દિવસે મેચ રમાઇ હતી. મેચમાં ભારતે ઇંગ્લેન્ડની ટીમને 169 રન પર ઓલઆઉટ કરીને 63 રને મેચ જીતી લીધી હતી.

રિઝર્વ ડેના દિવસે ઇંગ્લેન્ડની ટીમ 45.2 ઓવરમાં 169 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ગાંગુલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.