રિયો ડી જાનેરોઃ રિયોમાં ચાલી રહેલા પેરાલિમ્પિક રમતોમાં ભારતે ઇતિહાસ રચી લીધો છે. હાઇ જમ્પમાં ભારતે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. હાઇ જમ્પમાં મરિયપ્પન થાંગાવેલૂએ ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો છે તો વરુણસિંહ ભાટીએ 1.86 મીટર કૂદીને આ જ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.


મરિયપ્પન થાંગાવેલૂએ 1.89 મીટરનો જંપ લગાવતા ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે ભાટીએ 1.86મીટરનો જમ્પ લગાવી બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે મરીયપ્પન મુરલીકાન્ત પેટકર (સ્વિમિંગ 1972 હેઝવર્ગ) અને દેવેન્દ્ર ઝાઝરિયા (ભાલા ફેક, એથેન્સ 2004)બાદથી ગોલ્ડ જીતનારા ત્રીજા ભારતીય બન્યા હતા.

બંન્ને ભારતીય ખેલાડીઓએ રિયો પેરાલિમ્પિકમાં ગોલ્ડ અને બ્રોન્ઝ જીતીને કરોડો ભારતીયોના દીલ જીતી લીધા હતા. જ્યારે સંદીપ ભાલા ફેંકમાં બ્રોન્ઝ જીતવાથી ચૂકી ગયો હતો અને તે ચોથા સ્થાન પર રહ્યો હતો.

થાંગાવેલૂ અને ભાટીની આ સફળતા બાદથી અત્યાર સુધીના તમામ પેરાલિમ્પિક રમતોમાં ભારતના  કુલ મેડલોની સંખ્યા 10 થઇ ગઇ છે જેમાં 3 ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.