મુંબઈ: રોડ સેફ્ટી અંગે લોકોમાં જાગૃકતા ફેલાવવા માટે આજથી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ શરૂ થવા જઈ રહી છે. આ સીરિઝમાં દિગ્ગજ ખેલાડીઓ મેદાન પર જોવા મળશે. અનએકેડમી રોડ સેફ્ટી સીરિઝના પ્રથમ મુકાબલામાં સચિન તેંડુલકરની ઈન્ડિયા લિજેન્ડ્સનો સામનો લારાની વિન્ડિઝ લિજેન્ડસ સાથે થશે. આ મેચ સાંજે 7 વાગ્યે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જેનુ લાઈવ પ્રસારણ કલર્સ સિનેપ્લેક્સ પર જોઈ શકાશે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે આ ક્ષણ ખૂબજ ભાવુક હશે, કારણ કે 14 નવેમ્બર, 2013 બાદ સચિન પહેલીવાર વાનખેડે સ્ટેડિયમાં રમશે. આ મેચનું મહત્વ એટલા માટે પણ છે કે, તે રોજ સેફ્ટી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે રમાઈ રહી છે. ભારતમાં રોડ અકસ્માતમાં દર ચાર મિનિટે એક વ્યક્તિનું મોત થાય છે.


રસપ્રદ વાત એ છે કે, સચિન પોતાના કેરિયરની અંતિમ મેચ જે ટીમ સામે રમ્યો હતો તે જ ટીમ વિરુદ્ધ તે શનિવારે મેદાન પર ઉતરશે. સચિને પોતાના કેરિયરની અંતિમ મેચ આજ મેદાન પર વિન્ડિઝ વિરુદ્ધ રમી હતી. એવામાં ક્રિકેટ ચાહકો ફરી એકવાર સચિન સચિનના નારા લગાવવા માટે ઉત્સુક છે.


પાંચ રાષ્ટ્રોની આ ટૂર્નામેન્ટમાં લારા વિન્ડિઝની ટીમની કેપ્ટનશિપ કરી રહ્યાં છે. જો કે શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કાર્લ હુપેર પ્રેક્ટિસ સેશન દરમિયાન નેતૃત્વ કર્યું હતું.