નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા સેમિફાઇનલમાં સચિન તેડુંલકરનો રેકોર્ડ તોડી શકે છે.  આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં રોહિત શર્મા પાંચ સદી ફટકારી ચૂક્યો છે. રોહિત શર્મા સચિન તેડુંલકરનો  વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે ફક્ત 27 રન દૂર છે. રોહિત જે અંદાજમાં રમી રહ્યો છે તેના પર લાગે છે કે તે આ રેકોર્ડ તોડી દેશે. નોંધનીય છે કે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મંગળવારના રોજ સેમિફાઇનલ મેચ રમાશે.

સચિનના નામે એક વર્લ્ડકપમાં સર્વોધિક રન છે. તેણે 2003માં વર્લ્ડકપમાં 11 મેચમાં કુલ 637 રન બનાવ્યા હતા જેમાં એક સદી અને છ અડધી સદી સામેલ છે. રોહિતે અત્યાર સુધીમાં આઠ મેચ રમી છે અને તેણે કુલ 647 રન બનાવ્યા છે અને તેમાં પાંચ સદી અને એક અડધી સદી સામેલ છે. જો રોહિત સેમિફાઇનલમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ 27 રન બનાવી લે છે તો આ વર્લ્ડ રેકોર્ડ તોડી દેશે.

રોહિત શર્માના નિશાન પર વધુ એક વર્લ્ડ રેકોર્ડ હશે. જો આ સેમિફાઇનલમાં 53 રન બનાવી લે છે તો એ આ વર્લ્ડકપના એક એડિશનમાં 700 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની જશે. રોહિતે જોકે આ વર્લ્ડકપમાં એક એડિશનમાં સૌથી વધુ સદી ફટકારનાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જો રોહિત શર્મા સેમિફાઇનલમાં સદી ફટકારી દેશે તો સચિન તેડુંલકર સાથે વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની જશે. સચિનના નામે વર્લ્ડકપમાં સૌથી વધુ છ સદી છે પરંતુ તેણે છ વર્લ્ડકપમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે રોહિતે આ સિદ્ધિ બીજા વર્લ્ડકપમાં જ મેળવી લેશે.