નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યુ છે. પ્રથમ ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં હિટમેન રોહિત શર્માને મેચમાં ન સમાવાતા ફેન્સનો ગુસ્સો વિરાટ કોહલી પર ફૂટ્યો હતો. ફરી એકવાર રોહિત અને વિરાટ વચ્ચે ઝઘડો અને અણબનાવની વાતો વહેતી થઇ છે. ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ખુદ રોહિત શર્મા વિરાટ કોહલીને કૉચિંગ પ્રેક્ટિસ આપી રહ્યો છે.

ખાસ વાત એ છે કે પ્રથમ ટેસ્ટ મેચ પહેલા કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માની પ્રેક્ટિસનો વીડિયો ઇએસપીએન ઇન્ડિયા શેર કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રોહિત શર્મા અને વિરાટ વચ્ચે કોઇજ પ્રકારનો ઝઘડો કે અણબનાવ નથી દેખાતો. ખરેખર, મેચ પહેલા રોહિત શર્મા વિરાટ કોહલીને ટેનિસ બૉલ દ્વારા કેચિંગની પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. રોહિત બૉલને ફટકારે છે ને વિરાટ તેને કેચ કરી રહ્યો છે.



ઉલ્લેખનીય છે કે, એન્ટીગુઆ ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાએ બીચ પર મસ્તી કરી હતી, આમાં પણ રોહિત અને વિરાટ સાથે આખી ટીમે પાણીમાં મસ્તી કરી હતી. તેની તસવીરો પણ વાયરલ થઇ હતી.