નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માએ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ વર્લડ કપ 2019ના પ્રથમ મેચમાં શાનદાર અણનમ સેન્ચુરી ફટકારી. આ સેન્ચુરીની સાથે જ ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીદી હતી. રોહિત સર્માએ પણ આ સેન્ચુરી સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.



વન ડે કેરિયરમાં આ રોહિત શર્માની 23મી સેન્ચુરી છે. આ સાથે તેણે સૌથી વધુ સદી બનાવાનો સૌરવ ગાંગુલી અને તિલકરત્ને દિલશાનનો રેકૉર્ડ તોડી દીધો છે. રોહિત શર્માએ 207મી મેચમાં 23 સેન્ચુરી ફટકારી છે. સૌરવ ગાંગુલીએ 311 અને દિલશાને 300 મેચોમાં 22-22 સેન્ચુરી ફટકારી છે. રોહિત શર્મા હવે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનાં મામલે નવમાં નંબર પર છે.



આ યાદીમાં સચિન તેંડુલકર 49 સદી સાથે પહેલા નંબરે, વિરાટ કોહલી 41 સદી સાથે બીજા નંબરે અને રિકી પૉન્ટિંગ 30 સદી સાથે ત્રીજા નંબરે છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ ઇતિહાસમાં બીજી સદી ફટકારી છે. આ પહેલા 2015નાં વિશ્વ કપમાં તેણે બાંગ્લાદેશ સામે 137 રન બનાવ્યા હતા.