નવી દિલ્હી: ભારતીય ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્માએ બુધવારે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચમાં પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. સુપરઓવરમાં પહોંચેલી રોમાંચક મેચમાં રોહિતે પહેલા 40 બોલમાં 65 રનની ઇનિંગ રમી. બીજી તરફ ત્યારબાદ સુપર ઓવરમાં છેલ્લા બે બોલમાં સિક્સર મારીને ટીમને ઐતિહાસિક જીત અપાવી. રોહિત શર્મા એ રોમાંચક મેચ બાદ જણાવ્યું કે તે સુપરઓવરમાં બેટિંગ કરવા તૈયાર નહોતો.

રોહિત શર્માએ જણાવ્યું કે સુપરઓવરમાં બેટિંગ કરતાં પહેલા મેં મારો બધો સામાન બેગની અંદર પેક કરી દીધો હતો અને ફરીથી બેગમાંથી આ બધું  બહાર કાઢવાનું હતું. મને લગભગ પાંચ મિનિટ એબડોમિનલ ગાર્ડ શોધવામાં લાગ્યો હતો કારણ કે હું નહોતો જાણતો કે તે ક્યાં મૂક્યું છે જેના કારણે મને તૈયાર થવામાં પાંચ મિનિટનો સમય લાગ્યો.

રોહિત શર્માએ કહ્યું કે, તેને આશા નહોતી કે મેચ સુપરઓવરમાં જશે. તેણે વધુમાં કહ્યું કે જો આ મુકાબલામાં તેણે અડધી સદી ફટકારી ન હોત તો સુપરઓવરમાં તેની જગ્યાએ શ્રેયસ અય્યરને મોકલવામાં આવ્યો હોત.

રોહિત શર્માએ કહ્યું હતું કે, જ્યારે પણ કોઈને તક મળે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. શિખર ધવને પણ શ્રીલંકાની વિરુદ્ધ અગાઉની સીરીઝમાં મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી અને કેએલ રાહુલ છેલ્લી સાત-આઠ ટી20થી સારા ફોર્મમાં છે. તેઓએ કદાચ ચાર કે પાંચ અડધી સદી ફટકારી છે. તેણે કહ્યું કે, તેથી એ ટીમ માટે સારા સંકેત છે. અમે તેને સારા રૂપમાં જોઈએ છીએ.

રોહિતે આગળ કહ્યું કે, મહત્ત્વનું એ છે કે ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડી હાલમાં સારા ફોર્મમાં રહ્યા અને અંતિમ ઇલેવનમાં કોણ હશે તેનો નિર્ણય ત્યારે કરવામાં આવશે જ્યારે તમામ ખેલાડી ઉપલબ્ધ હોય. કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ બેસીને એ નિર્ણય કરશે કે કોઈ ખાસ મેચમાં કયો ખેલાડી રમવો જોઈએ.