નવી દિલ્હીઃ આ વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી ફેન કોમ્યૂનિટી-ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેને એક મોટો નિર્ણય કર્યો છે. આ કોમ્યૂનિટી ઇંગ્લેન્ડમાં અને વેલ્સમાં આગામી મહિને શરૂ થવા જઈ રહેલ ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન સ્પોર્ટ્સ ફેન્સને સન્માનિત કરશે. તેંડુલકરના એક પ્રખર ફેન સુધીર કુમારને પણ એક એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.




સુધીરકુમાર ચૌધરી (ગૌતમ) નામના આ ફેન બહુ જાણીતા છે. એ ભારતીય ટીમની લગભગ દરેક મોટી ક્રિકેટ મેચમાં એમના શરીર પર ભારતીય તિરંગાનાં રંગો ચોપડીને અને ‘તેંડુલકર 10’, ‘ઈન્ડિયા’ નામ ચીતરીને સ્ટેડિયમમાં તિરંગો ફરકાવતા ટીવી સ્ક્રીન પર અનેકવાર જોવા મળતા રહ્યા છે.



આ સુધીરને મળ્યો છે ‘ગ્લોબલ ફેન એવોર્ડ’, જે ઈન્ડિયન સ્પોર્ટ્સ ફેન સંસ્થા તરફથી આપવામાં આવશે. આ સંસ્થા બ્રિટનમાં સ્થપાયેલી છે. સુધીરની સાથે અન્ય ચાર પ્રશંસકોને પણ આ સંસ્થા તરફથી એવોર્ડ આપવામાં આવશે.



પોતાને મળેલા આ એવોર્ડથી બીજા ઘણાય લોકોને પ્રેરણા મળશે એવું સુધીરનું માનવું છે. સુધીરે પોતાને મળેલો આ એવોર્ડ પોતે જેમને ભગવાન, પ્રેરણામૂર્તિ માને છે એ ‘સચીન તેંડુલકર સર’ને અર્પણ કર્યો છે.

કટ્ટર પ્રશંસકોનું બહુમાન કરવા અને એમના જુસ્સાની વિશાળ સ્તરે નોંધ લેવાય એવા આશય સાથે ઈન્ડિયન સ્પોર્ટ્સ ફેન સંસ્થાએ આ એવોર્ડની સ્થાપના કરી છે. આ એવોર્ડ સુધીર તથા અન્યોને ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં એક્લીસ ટાઉન હોલમાં નિર્ધારિત કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે.