Sachin Tendulkar meets Messi: મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ રમતગમત જગતની એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. વિશ્વભરમાં પોતાની રમતથી કરોડો ચાહકોના દિલ જીતનારા અને 'નંબર 10' ની જર્સીને એક અલગ ઓળખ આપનારા બે મહાન ખેલાડીઓ એકસાથે જોવા મળ્યા હતા. આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી અને ભારતના 'માસ્ટર બ્લાસ્ટર' સચિન તેંડુલકર વચ્ચેની મુલાકાતે ચાહકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો છે. આ ખાસ પ્રસંગે સચિને પોતાની ઐતિહાસિક 2011 વર્લ્ડ કપની જર્સી મેસ્સીને ભેટમાં આપી હતી, જ્યારે સામે મેસ્સીએ પણ સચિનને ખાસ ભેટ આપીને સન્માનિત કર્યા હતા.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે ક્રિકેટ અને ફૂટબોલના બે સૌથી મોટા સિતારાઓ એકમંચ પર આવ્યા, ત્યારે આખો માહોલ ખુશી અને રોમાંચથી ભરાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય રમતોમાં '10 નંબર' ની જર્સી પહેરીને મેદાન ગજવનારા સચિન તેંડુલકર અને લિયોનેલ મેસ્સીનું મિલન એ માત્ર બે વ્યક્તિઓનું નહીં, પરંતુ બે મહાન રમતોનું સંગમ હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સ્ટેડિયમમાં હાજર લોકોની સાથે સોશિયલ મીડિયા પર પણ આ મુલાકાતના વીડિયો અને ફોટા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ મુલાકાત દરમિયાન બંને દિગ્ગજો વચ્ચે ભેટ-સોગાદોની પણ આપ-લે થઈ હતી, જે ભાવનાત્મક રીતે ખૂબ જ મહત્વની હતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને પોતાની 2011 વનડે વર્લ્ડ કપની યાદગાર જર્સી ભેટ સ્વરૂપે આપી હતી. આ એ જ જર્સી હતી જે પહેરીને સચિને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું સપનું પૂરું કર્યું હતું. જવાબમાં આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીએ પણ સચિનને 2022 ના ફીફા વર્લ્ડ કપનો ઓફિશિયલ ફૂટબોલ ભેટમાં આપ્યો હતો. આ ક્ષણે બંને ખેલાડીઓના ચહેરા પર પરસ્પર આદર અને સ્મિત સ્પષ્ટ દેખાતું હતું.
આ કાર્યક્રમમાં માત્ર સચિન તેંડુલકર જ નહીં, પરંતુ ભારતીય ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન સુનીલ છેત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. લિયોનેલ મેસ્સીએ સુનીલ છેત્રી સાથે પણ મુલાકાત કરી હતી, જે ભારતીય ફૂટબોલ ચાહકો માટે ગૌરવની વાત હતી. આ ઉપરાંત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ત્યાં હાજર હતા અને તેમણે મેસ્સીનું સ્વાગત કર્યું હતું. આ તમામ મહાનુભાવોની હાજરીએ આ પ્રસંગને વધુ ભવ્ય બનાવી દીધો હતો.
સચિન તેંડુલકર અને લિયોનેલ મેસ્સી વચ્ચે ભાષાનો અવરોધ હોવા છતાં, લાગણીઓનો સેતુ બંધાયો હતો. બંને વચ્ચેની વાતચીતને સરળ બનાવવા માટે એક અનુવાદક (Translator) ની મદદ લેવામાં આવી હતી, જેથી સચિન પોતાની ભાવનાઓ મેસ્સી સુધી પહોંચાડી શકે. સચિને મેસ્સી સાથે હળવાશભરી પળો વિતાવી હતી અને બંનેએ એકબીજાની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી.
જ્યારે મીડિયા દ્વારા સચિન તેંડુલકરને મેસ્સીની ભારત મુલાકાત વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ સુંદર શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. સચિને કહ્યું હતું કે, "અમે લિયોનેલ મેસ્સીના રમત પ્રત્યેના સમર્પણ, તેમની દ્રઢતા અને પ્રતિબદ્ધતાનો ખૂબ આદર કરીએ છીએ. એક ખેલાડી તરીકે તેઓ જેટલા મહાન છે, તેટલા જ એક વ્યક્તિ તરીકે તેઓ અત્યંત નમ્ર છે, જે ખરેખર પ્રશંસનીય છે." સચિને વધુમાં ઉમેર્યું હતું કે મુંબઈ અને સમગ્ર ભારત વતી તેઓ મેસ્સી અને તેમના પરિવારના સારા સ્વાસ્થ્ય અને ખુશી માટે શુભેચ્છા પાઠવે છે.
લિયોનેલ મેસ્સીના ભારત પ્રવાસની વાત કરીએ તો, તેઓ 13 ડિસેમ્બરના રોજ કોલકાતા આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ હૈદરાબાદ ગયા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને એક પ્રદર્શની મેચમાં પણ ભાગ લીધો હતો. હૈદરાબાદ બાદ હવે તેઓ મુંબઈ આવ્યા છે અને અહીંના ચાહકોનો પ્રેમ મેળવી રહ્યા છે. તેમના આ પ્રવાસના આગામી ચરણમાં, તેઓ આવતીકાલે એટલે કે 15 ડિસેમ્બરના રોજ દેશની રાજધાની દિલ્હીની મુલાકાત લેશે.