India vs Kuwait SAFF Championship Final 2023 Result: ભારત અને કુવૈત વચ્ચે SAFF ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. હાફ ટાઈમ સુધી મેચ 1-1 થી બરાબર રહી હતી. આ પછી મેચનું પરિણામ પેનલ્ટી શૂટ આઉટથી આવ્યું હતું. સુનીલ છેત્રીના નેતૃત્વમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાએ આ જીત મેળવી હતી. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી. ભારતીય ફૂટબોલ ટીમે નવમી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી છે. આ પહેલા ભારતીય ટીમ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021માં જીતી ચૂકી છે.






સુનીલ છેત્રીની કેપ્ટનશીપમાં ભારતીય ફૂટબોલ ટીમે ફાઈનલ મેચમાં કુવૈતને પેનલ્ટી શૂટ-આઉટમાં 5-4થી હરાવ્યું હતું. જીતનો હીરો ગોલકીપર ગુરપ્રીત સંધૂ રહ્યો હતો. તેણે પેનલ્ટી બચાવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. આ સાથે ભારત નવમી વખત SAFF ચેમ્પિયનશિપનું વિજેતા બન્યું છે.






ફક્ત પ્રથમ હાફમાં થયો રેગુલેશન ગોલ


બંને ટીમો પહેલા હાફમાં કરેલા ગોલથી આગળ વધી શકી નહોતી. ત્યાર બાદ બંને ટીમો વચ્ચેની મેચ એકસ્ટ્રા ટાઇમમાં જઇ હતી. આ મેચની શરૂઆતમાં કુવૈતનો દબદબો જોવા મળ્યો હતો. કુવૈતે 14મી મિનિટે સરસાઈ મેળવી લીધી હતી. ટીમ તરફથી Abdullah Albaloushi એ ગોલ કર્યો હતો. આ પછી ભારતીય ટીમે કુવૈત પર આક્રમણ ચાલુ રાખ્યું હતું. અને 39મી મિનિટે Lallianzuala Chhangte એ ભારતીય ટીમને બરોબરી પર પહોંચાડી દીધી હતી.


મેચના હીરો રહેલા ગોલકીપર સંધૂએ શું કહ્યું


મેચ જીત્યા બાદ ભારતીય ટીમના ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુની પ્રતિક્રિયા પણ આવી છે. તેણે કહ્યું હતુ કે , 'મને લાગે છે કે અમે ખરેખર સારું કર્યું છે.  એક ગોલ પાછળ હોવા છતાં પણ હાર ન માની તેનો શ્રેય ટીમના ખેલાડીઓને જાય છે. પેનલ્ટીમાં જીતવું એ તેના પર નિર્ભર છે કે કોના નસીબ સારા છે અને નસીબ આજે અમારી સાથે હતું.