નવી દિલ્હી: ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ ટી20 સીરિઝમાંથી બહાર થાય તેવી શક્યતા છે. 6 ડિસેમ્બરે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે હૈદરાબાદમાં પહેલી મેચ રમાશે. શિખર ધવનના સ્થાને સંજૂ સૈમસનને સામેલ કરાય તેવું માનવામાં આવી રહ્યું છે. ધવનને સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં મહારાષ્ટ્રની વિરૂદ્ધ સુપર લીગ મેચમાં ઘૂંટણ પર ઈજા થઈ હતી.

શિખર ધવને જણાવ્યું હતું કે, તે 4-5 દિવસમાં પરત આવી જશે. બીજી તરફ સંજૂ સૈમસનને વેસ્ટ ઈન્ડિઝ માટે પસંદ કરવામાં આવ્યો નહતો. તેને બાંગ્લાદેશની વિરૂદ્ધ ટી20માં પણ સ્થાન મળ્યું હતું પરંતુ એક પણ મેચ રમવાની તક નહોતી મળી.

શિખર ધવનને રન લેતી વખતે ઈજા પહોંચી હતી. ડાઈવ દરમિયાન તેના બેટનો એક ટુકડાથી ઘૂંટણ ઉપર કાપો વાગી ગયો હતો પરંતુ તે રમતો રહ્યો હતો અને પેવેલિયન પરત ફરતી વખતે તેને કાપો થયો હોવાનો ખ્યાલ આવ્યો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાં ટાંકા લેવામાં આવ્યા હતા.

ધવનની ઈજા બાદ પસંદગી કમિટીના અધ્યક્ષ એમએસકે પ્રસાદે સોમવારે સુરતમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ફિજિયો આશીષ કૌશિક સાથે વાત કરી હતી. કૌશિકે ધવનના સમયસર ફિટ ન થવાની જાણકારી આપી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.