Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં ભારતની 1-0 સાથે જીત થવાની સાથે જ ઇતિહાસ રચાયો હતો. ભારતીય મહિલા હોકી ટીમ પ્રથમ વખત ઓલિમ્પિક સેમી ફાઇનલમાં પહોંચી હતી. પ્રથમ ક્વાર્ટરમાં બને ટીમો ગોલ કરી શકી નહોતી. બીજા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ ફટકારી ભારતને લીડ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો ગોલ કરી શકી નહોતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 1-0થી વિજયી બની હતી.
ભારતીય મહિલા હોકી ટીમે આજે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતીય મહિલા ટીમ નવ પેનલ્ટી કોર્નર રોકવામાં સફળ રહી હતી. ગોલ કિપર સવિતાએ બે ગોલ અને સાત પેનલ્ટી કોર્નર રોકીને શાનદાર દેખાવ કર્યો હતો. મહિલા હોકી ટીમની જીત બાદ તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના ભારત સ્થિત હાઈ કમિશ્નરે પણ અભિનંદન આપ્યા હતા અને સવિતા પુનીયાને લઈ ખાસ વાત કહી હતી.
શું કર્યુ ટ્વીટ
ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના રાજદૂત બેરી ઓ ફારેલા ટ્વીટ કરીને લખ્યું, “ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન. એક રોમાંચક હોકી મેચ હતી પરંતુ અંત સુધી તમારા ડિફેન્ડને અમે ભેદી ન શક્યા. સવિતા પુનિયા – ધ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા ને બિટ ન કરી શક્યા,. સેમી અને ગ્રાન્ડ ફાઇનલ માટે શુભકામના.”
સ્પોર્ટ્સ મંત્રીએ શું કહ્યું
સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને લખ્યું, મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. આપણે પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી ફાઈનલમાં પહોચ્યા છીએ.
ટોક્યો ઓલિમ્પિકના 11માં દિવસે મહિલા હોકીની ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવીને ઈતિહાસ રચ્યો એ મેચમાં ગુરજીત કૌરે રંગ રાખ્યો હતો. ભારતની ગુરજીત કૌરે મેચની 22મી મિનિટે ગોલ કરીને 1-0ની લીડ અપાવી હતી. ગુરજીતે ડાયરેક્ટ ફ્લિક વડે ગોલ કર્યો હતો. ઓલિમ્પિકમાં આ સાથે ભારતની મહિલા હોકી ટીમ પહેલી વાર સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.