લંડનઃ વેસ્ટ ઇન્ડીઝના શાઇ હોપ અને જોન કેમ્પબેલે આયર્લેન્ડ સામે 47.2 ઓવરમાં 365 રનની જંગી ભાગીદારી નોંધાવીને પહેલી વિકેટની ભાગીદારીનો નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. આ જોડીએ પ્રથમ વિકેટ માટે સૌથી વધુ રનની ભાગીદારીની સાથે સાથે વન ડેમાં કોઇ પણ વિકેટ માટે બીજી સર્વશ્રેષ્ઠ ભાગીદારી પણ નોંધાવી હતી.


આ પહેલાં ઓપનિંગમાં સૌથી વધારે રનની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના ઇમામ ઉલ હક તથા ફખર ઝમાના નામે હતો. ગયા વર્ષના જુલાઇમાં ઝિમ્બાબ્વે સામે પાકિસ્તાની ઓપનર ઇમામ હક (113) અને ફખર ઝમા (210 અણનમ)ની જોડીએ પ્રથમ વિકેટ માટે 304 રનની ભાગીદારી નોંધાવી હતી.



આયર્લેન્ડ સામે વિન્ડીઝે ત્રણ વિકેટે 381 રન નોંધાવ્યા હતા. શાઇ હોપે 170 તથા કેમ્પબેલે 179 રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલાં વન ડે ક્રિકેટમાં પહેલી વિકેટ માટે શ્રીલંકાના જયસૂર્યા અને ઉપુલ તરંગાએ 2006ના જુલાઇમાં લિડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે પહેલી વિકેટ માટે 286 રન ખડક્યા હતા.