નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર અને એમસીસીની વર્લ્ડ ક્રિકેટ સમિતિના સભ્ય શેન વોર્નનું માનવું છે કે, આઈસીસી વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં બેન સ્ટોક્સને લાગનાર થ્રોને ડેડ બોલ આપવો જોઈતો હતો. વોર્ન જે સમિતિમાં સામેલ છે તે વર્લ્ડ કપ ફાઈનલમાં અમ્પાયર દ્વારા એ બોલ પર લેવામાં આવેલ નિર્ણયની સમીક્ષા પણ કરશે. માટે વોર્નનું આ નિવેદન મહત્વનું માનવામાં આવી રહ્યું છે.


આપને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડની ટીમને આ વિવાદિત થ્રોના કારણે કુલ છ રન મળ્યા હતા અને અંતમાં આ મેચ ડ્રો થઈ હતી. સૂત્રો મુજબ શેન વોર્ને કહ્યું કે,‘હું એ સમિતિમાં છું જે એ થ્રો રનની સમીક્ષા કરી રહી છે. મને લાગે છે કે રમતના નિયમ યોગ્ય છે. મારા માનવા મુજબ બેટ્સમેનના શરીરને લાગતી બોલ ડેડ બોલ હોવી જોઈએ. ભલે તે પછી બાઉન્ડ્રી પાર જાય કે નહીં. આ ડેડ બોલ હોવી જઈએ.’



વોર્ન આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું, મને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પસંદ છે. હું ઈચ્છું છું કે આઈસીસીએ તેનું વધુ માર્કેટિંગ કર્યું હોત, થોડા વધારે રૂપિયા લગાવ્યા હો તો તેને વધારે પ્રમોટ કરી શકાઈ હોત. તેના કારણે તમામ ટેસ્ટ મહત્ત્વના થયા છે. મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં આઈસીસી તેને યોગ્ય રીતે કરશે કારણ કે મને નથી લાગતું આ વખતે તેને યોગ્ય રીતે લાગુ કરવામાં આવી હોય.