ચેન્નઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માટે ખેલાડીઓની હરાજીમાં સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ સૌથી મોંઘો 16.25 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. હરાજીમાં અનેક એવા ખેલાડી હતા જે ગત સિઝનમાં કરોડોમાં વેચાયા હતા પરંતુ આ વખતે કોઈ ખરીદદાર મળ્યા નહોતા. ગત સિઝનમાં 8.5 કરોડમાં વેચાયેલો વેસ્ટઈન્ડિઝનો ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલ આઈપીએલ 2021માં રમતો જોવા મળશે નહીં. કારણ કે આ વખતે તેને કોઈએ ખરીદ્યો નથી.


IPL 2021 માટે ચેન્નઈમાં યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં શેલ્ડનને કોઈ પણ ફ્રેન્ચાઈજીએ બોલી લગાવી નથી. વાસ્તવમાં 2020ની હરાજીમાં શેલ્ડન કોટ્રેલને કિંગ્સ ઈલેવન પંજાબે 8.50 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું. પંજાબે તેને રિલીઝ કરી દીધો હતો. કોટ્રેલના આઈપીએલના રેકોર્ડને જોઈએ તો તેણે પંજાબ કિંગ્સ માટે 6 મેચ રમી હતી, તેમાં તેણે 6 વિકેટ લીધી હતી. આ વખતે હરાજીમાં પંજાબ કિંગ્સે સૌથી વધુ નવ ખેલાડી ખરીદ્યા હતા.

આ પાંચ ખેલાડી વેચાયા સૌથી મોંઘા

સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ક્રિસ મોરીસને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. રાજસ્થાને મોરિસને 16.25 કરોડમાં ખરીદ્યો છે. કાયલે જેમીસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડમાં ખરીદ્યો છે. મેક્સવેલને બેંગ્લોરે 14.25 કરોડમાં ખરીદ્યો છે. રીચર્ડસનને કિંગ્સ પંજાબે 14 કરોડમાં ખરીદ્યો છે, જ્યારે ક્રિશ્નપ્પા ગૌથમને ચેન્નઈ સુપર કિંગ્સે 9.25 કરોડમાં ખરીદ્યો છે.