નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ મોહાલીના પંજાબ ક્રિકેટ અસોસિયેશન આઇએસ બ્રિન્દ્રા સ્ટેડિયમ પર રમાશે. મોહાલીના મેદાન પર જ્યારે આજે શિખર ધવન સાઉથ આફ્રિકા વિરુદ્ધ બેટિંગ પર ઉતરશે તો તેની નજર એક ખાસ લિસ્ટમાં સામેલ થવા પર રહેશે. વાસ્તવમાં ધવન ટી-20 કરિયરમાં 7000 રન પૂરા કરવાથી 44 રન દૂર છે.
આજની મેચમાં જો શિખર ધવન આ સ્કોર બનાવી લે છે તો તે ટી-20માં 7000 રન બનાવનાર ચોથો ભારતીય ખેલાડી બની જશે. તે સિવાય આમ કરનાર તે દુનિયાનો 15મો ખેલાડી બની જશે. શિખર ધવનના નામે હાલમાં 246 મેચમાં કુલ 6956 (ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 53 મેચમાં 1337 રન સાથે) રન સામેલ છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 97 રન છે. તેણે ટી-20 કરિયરમાં કુલ 53 અડધી સદી ફટકારી છે.
રસપ્રદ વાત એ છે કે મોહાલી એ જ સ્ટેડિયમ છે જ્યાંથી શિખરે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. અહીં તેણે ડેબ્યૂ મેચમાં 187 રન બનાવ્યા હતા. આ મેચ માર્ચ 2013માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી. શિખર ધવન અગાઉ ટી-20માં સાત હજાર કરનાર ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા સામેલ છે. વિરાટ સૌથી વધુ ટી-20 રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે.