નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવન પાકિસ્તાન પર ભડક્યો છે. આ ડાબોડી બેટ્સમેને કહ્યું કે, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન કરે અને ન તો તેના પર કોઈ કમેન્ટ કરે પાકિસ્તાન. ધવને એક સમાચાર ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, પાકિસ્તાનને પહેલા પોતાના દેશનું જોવું જોઈએ, ત્યાર બાદ બીજા દેશોના મુદ્દે દખલ કરાય.

ધવને શાહિદ આફ્રિદીનાં ટ્વિટને પણ જવાબ આપતા કહ્યું કે, “બિલકુલ, અમારા દેશ વિશે જો કોઈ કંઇ કહેશે તો અમે છાતી પહોળી કરીને ઉભા છીએ. પ્રધાનમંત્રીને ખબર છે કે દેશ કઇ રીતે ચલાવવો? અમારી સરકાર એટલી સારી છે.’ ધવને પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે, “અમારે જરૂર નથી કે કોઈ બહારનો આવીને અમારા દેશ વિશે ટિપ્પણી કરે. કહે છે ને, કે જીનકે ઘર શીશે કે હોતે હૈ, વો દૂસરે કે ઘર પર પત્થર નહીં ફેંકતે.”

આ પહેલી વાર નથી જ્યારે ધવને પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. આ પહેલા તેણે શાહિદ આફ્રિદીનાં એક ટ્વિટનો પણ જવાબ આપ્યો હતો. ત્યારે આફ્રિદીએ કાશ્મીર પર નિવેદન આપ્યું હતુ. ધવને કહ્યું હતુ કે, ‘ભારતે બહારનાં લોકોનાં નિવેદનની જરૂર નથી, ખાસ કરીને કાશ્મીર પર.’ તે સમયે પીએમ મોદીએ ધવનની પ્રશંસા કરતા કહ્યું હતુ કે, ‘જેવી રીતે તમે બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાનું જાણો છે, એ રીતે દુશ્મનોને પણ બહાર મોકલવાનું જાણીએ છીએ.’