રાજકોટઃ આજના જમાનામાં કોઈ વ્યક્તિ એક સંસ્થામાં સતત 15-20 વર્ષ માંડ નોકરી કરતા હોય છે પરંતુ આશરે 40 વર્ષ સુધી એક જ જગ્યાએ નોકરી કરી હોવાનું સાંભળવા મળે ત્યારે આશ્ચર્ય જરૂર થાય. મનમાં પ્રશ્ન જરૂર થાય કે શું કોઈ વ્યક્તિ એક જગ્યાએ સળંગ 40 વર્ષ સુધી નોકરી કરી શકે ? મજેવડીના પ્રવીણભાઈ પોંકિયાને એક જ ડૉકટર સાથે કામ કરવામાં હવે ચાર દાયકા પૂરા થવામાં માત્ર ગણતરીના મહિના જ બાકી છે.
હીરામાં જાત ઘસી નાંખવાનું કર્યું હતું નક્કી
પ્રવીણભાઈએ જણાવ્યું કે, 80ના દાયકાની વાત છે. પરિવારને કાળી મજૂરી કરતો જોયો હોવાથી અને તેમ છતાં બે પાંદડે ન થયોની દ્રશ્ય સામે હોવાથી 1980માં એચ.એસ.સી પાસ કર્યા બાદ મારે કંઈક કરી છુટવું છે એવી ધગશ અને આત્મવિશ્વાસ હતો પણ શું કરવું તે અંગે ખાસ સમજ નહોતી. તે સમયે ગામડાના યુવાનોમાં ડાયમંડ નગરી સુરતમાં જઈને હીરામાં કરિયર બનાવવાનો મોહ હતો, કારણકે તે સમયે હીરાનો સુવર્ણ સમય હતો. મેં પણ સુરત જઈને રત્નકલાકાર તરીકે કામ કરી વર્ષોથી ગરીબીમાં ભીંસાતા પરિવાર માટે ચમકવાનું નક્કી કર્યું હતું.
દાતરડાં ચલાવ્યા એ જ હાથે આપ્યા ઈન્જેક્શન
આ સમયે મારી પાસે ઓફર આવી કે, રાજકોટમાં એક નવી હોસ્પિટલમાં ઓપરેશન આસિસ્ટન્ટ તરીકે એક તરવરિયા યુવાનની જરૂર છે. મારે તો દોડવું હતું ને ઢાળ મળ્યો. મેં મારો નિર્ણય બદલીને રાજકોટ જવાનો નિર્ણય લીધો. હું માનસિક રીતે તો હેરાન જ હતો અને વિચારતો હતો કે અત્યાર સુધી મેં દાતરડા જ ચલાવ્યા છે ને હવે રાજકોટ જઈ ને સીધી કાતર ને ઇન્જેક્શન ! પણ મનમાં વિશ્વાસ હતો કે પોતે જ્યાં છે તેના કરતા તો ભવિષ્ય ઉજ્જવળ જ હશે. આ જ આશાને અરમાનો સાથે હું 10 મે, 1981ના રોજ રાજકોટ આવ્યો. ગામડાના ધૂળિયા માણસને શરૂઆતમાં નવું શહેર, નવા લોકો અને શહેરીજનોનું વધુ પડતું ચોખલિયાપણું માફક ન જ આવ્યું પણ ધીમે ધીમે શહેરી જિંદગી સાથે અનુકૂલન સાધતો ગયો.
ઘણી વખત એકલામાં રડી પડ્યો
શરૂઆતમાં ખૂબ તકલીફ પડી. એક બાજુ દિવસ રાત ખેતીની કાળી મજૂરી કામ અને અહીં એવું જ ચોકસાઈપૂર્વક કરવું પડતું જીવિત વ્યક્તિ જોડેનું કામ. શરૂઆતમાં કામ કરતી વખતે સતત મનમાં વિચાર રહેતો કે, મારી એક નાનકડી ભૂલ દર્દીને કદાચ મૃત્યુ સુધી પણ લઇ જઈ શકે. કારણકે અત્યાર સુધી જે હાથમાં દાતરડા હતા તે હાથમાં આજ કાતર અને ઇન્જેકશન હતા. પણ આવું વિચારતા જ મારી સામે એક લાચાર અને ખૂબ શ્રમના કારણે કેડથી વળી ગયેલા મારા બાપુજીનો ચહેરો દેખાતો. ને ફરી પાછો હું કામમાં મારું ધ્યાન લગાવી દેતો. પરિવારને સુખેથી જીવતો જોવા માટે હું ગામ છોડી શહેરમાં આવ્યો હતો એમ વિચારી મન મનાવી લેતો અને ઘણી વખત રડી પણ લેતો.
ડોક્ટર ઢોલરિયા સાહેબનો પુત્રવત પ્રેમ અને હૂંફ
‘મન,વચન અને કર્મમાં નિષ્ઠા રાખવી’ આ સૂત્રને જીવનમંત્ર બનાવી ચુકેલા પ્રવીણભાઈએ કહ્યું, ધીમે ધીમે હું કામ શીખતો ગયો અને આગળ વધતો ગયો. રાજકોટના મોટી ટાંકી ચોકમાં 39 વર્ષથી અડીખમ ઉભેલી ઢોલરીયા હોસ્પિટલના ડો. જી.એમ. ઢોલરીયા સાહેબે પણ મારી પાછળ ખૂબ જ ભોગ આપ્યો. તેમના પુત્રવત પ્રેમ અને હૂંફના કારણે થોડા સમયમાં હું તેમના કુટુંબનો એક સભ્ય જ બની ગયો. ધીમે ધીમે દર્દીના ઓપરેશન પછીની તમામ જવાબદારી મારી માથે રહેતી. થોડા વર્ષો પછી મેં મારા નાના ભાઇને ભણાવીને પગભર બનાવ્યો. પછી તો પોતાનું ઘરનું ઘર, લગ્ન અને બન્ને નાના ભાઇના લગ્ન પણ કર્યા.
ડોક્ટર અને પ્રવીણભાઈની જોડીએ કર્યા છે સેંકડો ઓપરેશન
ડોક્ટર જી.એમ. ઢોલરીયા અને પ્રવીણભાઈ પોંકિયાની જોડી સફળતાપૂર્વક સેંકડો ઓપરેશન કરી ચુકી છે. હાલ ડો.ઢોલરીયાની ઉંમર 70 વર્ષ છે અને પ્રવીણભાઈ પણ 55 વટાવી ચુક્યા છે પરંતુ આજે પણ બંનેની કામ કરવાની સ્ફૂર્તિ જોતા એવું લાગે કે બંને હજી એક દશકો દર્દીઓની સેવા કરશે.