સ્ટુટગાર્ટઃ અમેરિકાની માત્ર 22 વર્ષની જિમ્નાસ્ટ સિમોન બાઈલ્સે અમેરિકી ટીમે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં 21મો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. સિમોને 21મો મેડલ જીતીને રશિયાની ખોર્કિનાના 20 મેડલ્સનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આ સાથે બાઈલ્સ હવે વર્લ્ડ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપના ઈતિહાસની સૌથી સફળ મહિલા જિમ્નાસ્ટ બની ગઈ છે.

સિમોને સતત પાંચમી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અમેરિકાની વિમેન્સ ટીમ ફાઈનલ ઈવેન્ટમાં પોતાની ટીમને ગોલ્ડ મેડલ જીતાડીને ઈતિહાસ રચી દીધો હતો. બાઈલ્સે કારકિર્દીનો રેકોર્ડ 15મો ગોલ્ડ મેડલ જીત્યો હતો અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સર્વાધિક ગોલ્ડ જીતવાના પોતાના વર્લ્ડ રેકોર્ડને આગળ ધપાવ્યો હતો.

વર્લ્ડ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં સર્વાધિક મેડલ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ બેલારૂસના વિતાલી ચેર્બોના નામે છે. ચેર્બોએ 23 મેડલ્સ જીત્યા હતા. બાઈલ્સ ચેર્બોને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. આ સાથે અમેરિકી જિમ્નાસ્ટ ટીમ વિમેન્સ ટીમ ઈવેન્ટમાં ઓવરઓલ સતત પાંચમી વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી.

અમેરિકાની ટીમે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપને સાથે ગણીએ તો સતત સાતમો ગોલ્ડ મેડલ જીત્યો છે.  બાઈલ્સની સાથે જેડ કારેય, કારા ઈકેર, સુનિસા લી અને ગ્રેસ મેક્કાલમની ટીમે 172.330ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રશિયાને સિલ્વર અને ઈટાલીને બ્રોન્ઝ મળ્યો હતો.