નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલ હાઈવોલ્ટેજ મેચમાં ભારતની 48મી ઓવરમાં એક અસામાન્ય ઘટના ઘટી, જેની ચારેબાજુ ચર્ચા છે. આ ઓવરમાં કંઈક એવું થયું કે કેપ્ટન વિરાટ કોહલી આઉટ થયા વગર જ પેવેલિયન ચાલ્યા ગયા. જોકે વિરાટ કોહલી ક્યા કારણે મેદાન છોડીને ગયા, તે વાતનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોમેન્ટ્રી બોક્સમાં મોટો ખુલાસો કર્યો છે.



ગાંગુલી અનુસાર વિરાટના બેટમાં કદાચ હેન્ડલ ક્રેક થઈ ગયું, જેના કારણે તેને લાગ્યું હશે કે બેટના કિનારે ટચ થઈને બોલ ગયો, આ કારણે જ તે મેદાન છોડીને ચાલ્યા ગયા. જ્યારે પાક ટીમ તરફથી પણ ખેલાડીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી, જેના કારણે તેમને આ વાતનો અનુભવ થયો હોય.

ભારતે પાકિસ્તાન સામે 47 ઑવરમાં 311 રન બનાવ્યા હતા, ત્યારે 48મી ઑવરમાં મોહમ્મદ આમિર બૉલિંગ આવ્યો. તેણે ચોથો બૉલ બાઉન્સર ફેંક્યો. આ બૉલ વિરાટ કોહલીનાં માથાની ઉપરથી નીકળી ગઈ હતી. વિરાટે આ બૉલને હૂક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બેટ પર બૉલ આવ્યો નહીં. મોહમ્મદ આમિરે આઉટની અપીલ કરી. વિરાટે અમ્પાયરની સામે જોયું. અમ્પાયરે લગભગ આઉટની અપીલ સાથે સંમતિ દર્શાવી અને ત્યારબાદ વિરાટ કોહલી પેવેલિયન જતો રહ્યો હતો.



વિરાટ પેવેલિયન જતા જ રીપ્લેમાં સ્પષ્ટ થઈ ગયું કે તે આઉટ નહોતો. અલ્ટ્રાએજમાં ક્યાંય પણ એવું ના જોવા મળ્યું કે બૉલ બેટને અડ્યો હોય, પરંતુ વિરાટ કોહલીને કદાચ આ વાતનો અહેસાસ નહોતો થયો. જો કે ત્યારબાદ પેવેલિયનમાં બેઠેલો વિરાટ પોતાની ઉતાવળ પર નિરાશ જોવા મળ્યો. ઘણીવાર બેટ હવામાં ઝડપથી ફેરવવામાં આવે છે ત્યારે કેટલીકવાર અવાજ આવે છે. વિરાટ કોહલી સાથે પણ કદાચ આવું જ થયું. તે પેવેલિયનમાં જઇને બેટને હલાવીને એ સાંભળવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો કે અવાજ ક્યાંથી આવી. જો કે સત્ય એ છે કે કોહલી આઉટ થયા વગર જ પેવેલિયન જતો રહ્યો હતો.