દક્ષિણ આફ્રિકાના ખરાબ પ્રદર્શનની પાછળ માત્ર ખેલાડીઓ નહીં પરંતુ એક ડીલ પણ જવાબદાર છે. ચોંકશો નહીં, મૂળે આ ડીલનું નામ છે કોલ્પાક ડીલ, જે હેઠળ ખેલાડીઓ કાઉન્ટી ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપે છે. કોલ્પાક ડીલ 2004માં શરૂ થઈ હતી. તે દુનિયાના 100 દેશોના ખેલાડીઓને યૂરોપિયન યૂનિયન (EU)ના કોઈ પણ દેશમાં જઈને રમવાની મંજૂરી આપે છે. રમતને વંશીય રીતે ન્યૂટ્રલ બનાવવા માટે આફ્રિકન દેશોના ખેલાડીઓને કોલ્પાક હેઠળ કાઉન્ટી રમવાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ કારણથી આફ્રિકાના ખેલાડીઓમાં ઓછી ઉંમરમાં જ પોતાના દેશના ક્રિકેટથી સંન્યાસ લઈ કોલ્પાક સાઇન કરી કાઉન્ટી રમવાનો ટ્રેન્ડ વધ્યો છે.
બ્રેક્ઝિટ બાદ ખેલાડીઓને આ ડીલમાં વધુ રસ પડવા લાગ્યો. કોલ્પાકના ફાયદાઓમાં બ્રિટનની ઉત્તમ લાઇફસ્ટાઇલ, કાઉન્ટીના વાર્ષિક કોન્ટ્રાક્ટ, પ્રદર્શન પર ઓછું દબાણ અને નાણાકિય સુરક્ષા તો સામેલ છે જ, ઉપરાંત કોલ્પાક ડીલ હેઠળ કાઉન્ટી રમનારાઓને ત્યાં ડોમેસ્ટિક ખેલાડીનો દરજ્જો પણ મળે છે. કોલ્પાક ડીલ સાઇન કરવાની સરળ શરત છે. આ શરતમાં ખેલાડીની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને તેને ઇન્ટરનેશનલ લેવલનું ક્રિકેટ રમેલું હોવું જોઈએ. 15 વર્ષમાં દક્ષિણ આફ્રિકાના 44 ખેલાડી કોલ્પાક ડીલ સાઇન કરી ચૂક્યા છે.