નવી દિલ્હીઃ શ્રીલંકા ક્રિકેટ ટીમ હાલમાં પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. વર્લ્ડકપમાં મળેલ મોટી અસફળતા બાદ આ ટીમે બાંગ્લાદેશની વિરૂદ્ધ પોતાના ઘરેલી વનડે સીરીઝમાં શાનદાર વાપસી કરી છે અને મહેમાન ટીમને ક્લીન સ્વીપ કરી છે. બન્ને દેશ વચ્ચે ત્ર મેચની વનડે સીરીઝ રમાઈ હતી જેમાં શ્રીલંગાએ બાંગ્લાદેશ વિરૂદ્ધ શાનદાર જીત મેળવી હતી. શ્રીલંકાએ સીરીઝમાં પ્રથમ મેચમાં 91 રન, બીજી મેચમાં સાત વિકેટ અને ત્રીજા મેચમાં 122 રનથી જીત મેળવી છે. આ સીરીઝની પહેલી મેચ ક્રિકેટ જગતમાં યાદગાર મુકાબલામાં શામેલ થઈ કારણ કે આ મેચ ટીમના સ્ટાર બોલર લસિથ મલિંગાની અંતિમ મેચ હતી.


જોકે આ સીરીઝની અંતિમ મેચમાં એક દુર્ઘટના થઈ ગઈ હતી. બાંગ્લાદેશને ત્રીજા વન-ડેમાં હરાવ્યા પછી શ્રીલંકાનો ખેલાડી કુસલ મેંડિસ અને શેહાન જયસૂર્યા બાઈક પર સવાર થઈને વિજયી ચક્કર લગાવી રહ્યાં હતા તે દરમિયાન બંને નિયંત્રણ ખોઈ બેઠા અને બાઈક સહિત મેદાન પર જ પડી ગયા. ઘટના ઘટતા જ મેદાન પર હાજર સુરક્ષા કર્મીઓ તરત જ બંને ખેલાડીઓ તરફ દોડ્યાં અને તેમને ઉઠવામાં મદદ કરી. સારી વાત એ છે કે બંને માંથી કોઈ પણ ખેલાડીને ઈજા પહોંચી નથી. બાંગ્લાદેશ વિરૂદ્ધ આ મુકાબલામાં કુસલ મેંડિસે 58 બોલ પર 54 રન ફટકાર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.