નવી દિલ્હીઃ શ્રીલંકાની ક્રિકેટ ટીમે શનિવારે ઈતિહાસ રચી દીધો છે. દક્ષિણ આફ્રીકાને બીજી ટેસ્ટ મેચમાં આઠ વિકેટે હાર આપીને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલ શ્રીલંકાની ટીમ પાસે આવા પ્રદર્શનની કોઈને આશા ન હતી.
શ્રીલંકાની આ ઐતિહાસિક જીતમાં કુશલ મેન્ડિસે અણનમ 84 અને ઓશાડા ફર્નાડોએ અણનમ 75 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે અણનમ 166 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાએ 1 વિકેટે રોમાંચક જીત મેળવી હતી.
દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતનાર શ્રીલંકા એશિયાની પ્રથમ અને વર્લ્ડની ત્રીજી ટીમ બની છે. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ઇંગ્લેન્ડે 11 અને ઓસ્ટ્રેલિયાએ 10 શ્રેણી પોતાના નામે કરી છે.